રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની તમામ સરકારી શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અન્વયે ખેડા જિલ્લામાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન અંગેની સમીક્ષા અર્થે ઈ.ચા. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી.
ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયતની ૧૩૫૦ પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત આંગણવાડીમાં અંદાજીત ૯૧૧૩ બાળકો, બાલવાટિકામાં ૧૯,૦૯૫ બાળકો, અને ધોરણ-૧ માં ૧૩૬૦ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. રાજ્ય કક્ષાએ પદાધિકારીઓ તથા અધિકારીઓ જિલ્લાકક્ષાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાશે. રાજ્ય કક્ષાએથી આવતા પદાધિકારી-અધિકારીઓ તેમને સોંપાયેલ તાલુકાના એક જ ક્લસ્ટરની ત્રણ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણીમાં જોડાશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ પટેલે જણાવ્યું હતું.
આ બેઠકમાં ઈ.ચા. કલેક્ટર ગોયલે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત શાળાઓની યોગ્ય સ્વચ્છતા જળવાય, શાળાઓ વેકેશન બાદ પુનઃ ખુલે તે પહેલા શાળાના વિજળી તથા પાણીના કનેક્શનો સુનિશ્ચિત કરવા, શાળા પ્રવેશ લઈ રહેલા બાળકો તથા તેમના વાલીઓ સાથે સંપર્ક સાધી આ કાર્યક્રમ અંગે માહિતી આપવા તથા જિલ્લામાં રાજ્યકક્ષાએથી આવનાર પદાધિકારીશ્રીઓ તથા અધિકારીઓ માટે સુવ્યવસ્થા ગોઠવવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલ, તેમજ શિક્ષણ વિભાગ સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ