ખેડાના ધોળકા રોડ પર પુરપાટે આવતી એસટી બસે આગળ જતાં ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી હતી. જેથી ટ્રેક્ટર કૂદીને સામે સાઈડે આવતાં ટ્રક સાથે અથડાયુ હતું. આ અકસ્માતમા ટ્રેક્ટરના બે ટુકડા થતાં ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ખેડા ધોળકા રોડ પર વાસણાબુર્ઝગ ગામ પાસે આજે સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં એસટી બસ પસાર થઈ રહી હતી. દરમિયાન ફુલ સ્પીડ રહેલી આ એસટીએ આગળ જતાં ટ્રેક્ટર ના ટ્રોલી સાથે અથડાવ્યું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રોલીની આગળ રહેલુ ટ્રેક્ટર એકાએક ઉછળી રોડની સામેની સાઈડે ખેડા તરફ આવતી આઈસર ટ્રક ના આગળના ભાગે અથડાયું હતું. અકસ્માતમાં ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા અને ટ્રેકટર નીચે બે વ્યક્તિ દબાઈ ગયા હતા. જે પૈકી ટ્રેક્ટર ચલાવી રહેલ કનૈયાકુમાર પંછીભાઈ વણઝારાનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું છે. જ્યારે તેમના સગાભાઇ મેરુભાઈ વણઝારા બંન્ને રહે.માતર ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત મેરુભાઈને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. એસટી ચાલકની બેદરકારીથી સર્જયેલા ટ્રિપલ અકસ્માતમાં એસટીમાં બેઠેલા મુસાફરોને કોઈ ઈજા પહોંચી નહોતી. પરંતુ થોડા સમય માટે શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. અકસ્માત સંદર્ભે આઈસર ટ્રકના ચાલક ચમનભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (કડીયા)ની ફરિયાદના આધારે ખેડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ