ખેડા જિલ્લાના ગળતેશ્વરના મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પાસેથી દેશી પીસ્તોલ સાથે મીની ટ્રક ચાલકને ઝડપી પાડયો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચાલકે જણાવ્યું કે હથિયાર તેના પિતાએ પોતાના ઘરમાં સંતાડેલ હતુ જે પિતાએ મંગાવતા આપવા જઈ રહ્યો હોવાની વિગતો બહાર આવી છે. આ સમગ્ર મામલે સેવાલીયા પોલીસે બે વ્યક્તિઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સેવાલિયા પોલીસના માણસો ગુરૂવારના રોજ રાત્રીના સમયે ગળતેશ્વર તાલુકાના મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમા હતા તે દરમિયાન રાત્રીના ગોધરા તરફથી આવતી મિનીટ્રકને ઉભી રાખી ટ્રકની તલાશી લેતાં, મિનીટ્રકના કેબિનના ડેશબોર્ડમાં આવેલ ડ્રોવરમાંથી ભારતીય હાથ બનાવટની લોખંડની દેશી પિસ્તોલ મળી આવી હતી. આથી પોલીસે મિનીટ્રકના ચાલક કલ્પેશ વિષ્ણુભાઈ તડવી (રહે.લિમખેડા, દાહોદ)ની અટકાયત કરી આરોપીની પૂછપરછ કરતાં આ પિસ્તોલ કલ્પેશના પિતા વિષ્ણુભાઈ સુરતાનભાઈ તડવીની હોવાનું જણાવ્યું છે. તેમજ પોતાના ઘરે સંતાડેલી પિસ્તોલ પોતાના પિતાને એ મંગાવી હોવાથી આપવા જઈ રહ્યો હોવાનું કલ્પેશે કબુલ્યું છે.
હથિયાર સાથે ટ્રક તથા રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૫ લાખ ૧૧ હજાર ૪૦ નો મુદ્દામાલ જપ્ત કરી જેના આધારે સેવાલિયા પોલીસે કલ્પેશ તડવી અને તેના પિતા વિષ્ણુભાઈ તડવી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.