ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાંથી બનાવટી માર્કશીટ-સર્ટીફીકેટ રેકેટમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉત્તરપ્રદેશના ડો.અખીલેશ પાંડેની ધરપકડ કરાઈ છે. ખેડા એલસીબી એ છટકું ગોઠવી દિલ્હી ખાતેથી આ આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેશ ગામેથી ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટીફીકેટનું રેકેટ ઝડપાયું હતું. જેમાં પોલીસે નેશ ગામનો કિરણભાઇ પ્રતાપભાઇ ચાવડા (ઉ.વ.૨૩ રહે. નેશ, તા.ઠાસરા) અને નયનકુમાર જયેશભાઈ પરમાર (રહે.થામણા, તા.ઉમરેઠ, જિ.આણંદ)ની ધરપકડ કરી હતી. પોલીસે આ બંન્ને પાસેથી SSC, HSC, B.A., B.com., B.C.A.ની કુલ ૬૦ બોગસ માર્કશીટ સર્ટીફીકેટ કબ્જે કર્યા હતા. અને આ બાદ તપાસ કરતા ઉત્તરપ્રદેશનો ડો. અખીલેશ પાન્ડે આ માર્કશીટો સપ્લાય કરતો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે કિરણ અને નયનના રીમાન્ડ મેળવ્યા છે. આ બનવામા કુલ ૩ સામે ગુનો નોંધાયો હતો.
ખેડા એલસીબીની ટીમે આરોપી ડો. અખિલેશ પાંડે દેહરાદુન છુપાયો હોવાની જાણ થતાં પોલીસે દિલ્હી પહોંચી આ વ્યક્તિને પકડવા ચોક્કસ છટકું ગોઠવી ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂનથી દિલ્હી બોલાવ્યો હતો. પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હીથી પકડાયેલ મુખ્ય સુત્રધાર ડો અખિલેશ પાંડે ડુપ્લીકેટ માર્કશીટ સમગ્ર નેટવર્ક હાલ ઉત્તરાખંડથી ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. ખેડા એલસીબીની ટીમ મુખ્ય આરોપીને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ