ખેડા એલ.સી.બી.પોલીસે ઠાસરા તાલુકાના નેસ ગામે દરોડો પાડી ઉત્તર પ્રદેશ, મેરઠની સ્વામી વિવેકાનંદ સુભાર્થી યુનિવસટી બી.એ.ની ત્રણ માર્કશીટ, બી.કોમ.ની ત્રણ માર્કશીટ, બી.બી.એ ની ૬ માર્કશીટ તથા બે મોબાઈલ ફોન અને ૧ થેલો મળી કુલ રૂ.૧૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે નક્લી માર્કશીટ કૌભાંડમાં બે ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમે મળેલ બાતમીના આધારે ગુરુવારે જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં સરકારી દવાખાના પાસેથી એક શંકાસ્પદ ઈસમને ઝડપી લીધો હતો. જેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ કિરણભાઇ પ્રતાપભાઇ ચાવડા (ઉ.વ.૨૩ રહે. નેશ, તા.ઠાસરા) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલી એક બેગમાંથી શંકાસ્પદ માર્કશીટો અને કોલેજ પાસ કરેલાના સટફિકેટ મળી આવતાં પોલીસે કિરણને રાઉન્ડ અપ કરી પુછપરછ હાથ ધરી હતી. તેની પુછપરછમાં કિરણે ભાંગી પડી આ માર્કશીટો અને સર્ટીફીકેટ નકલી હોવાની કબૂલાત કરી હતી.
આ પ્રકરણમાં પોલીસે કિરણને સાથે રાખી તેના રહેણાંક મકાનમાં તલાશી લેતા અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાના ડુપ્લીકેટ સર્ટીફીકેટ હોવાનું જણાવ્યું હતુ. જેથી પોલીસે ઘરે જઈને તપાસ કરતાં આ રીતના બનાવટી સર્ટીફીકેટ અને માર્કશીટો મળી આવી હતી. જેમાં એસ.એસ.સી.ની માર્કસીટ, પ્રોવિઝન સટફીકેટ, માઇગ્રેસન સટીફીકેટ કુલ-૩૯ તથા એચ.ના માર્કસીટ, પ્રોવિઝન સર્ટીફીકેટ, માઇગ્રેસન સર્ટીફીકેટ કુલ-૯, સ્વામી વિવેકાનંદ સુર્ભાથી યુનીવર્સીટી મેરઠ, યુ.પી, બી.એ.ની માર્કશીટો કુલ-૩, બી.કોમ.ની માર્કશીટો કુલ-૩ તથા બી.સી.એ.ની માર્કશીટો કુલ-૬ મળી કુલ માર્કશીટ નંગ- ૬૦ કબ્જે કરાઈ હતી. આ તમામ માર્કશીટો કુરિયર દ્વારા મોકલાવી હોવાનું પોલીસનું અનુમાન છે.
આ બનાવટી માર્કશીટો અને સર્ટીફીકેટ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના થામણા ગામના નયનકુમાર જયેશભાઈ પરમાર મારફતે મળી હતી. અને ઉત્તરપ્રદેશના ડો.અખીલેશ પાન્ડેનાઓ પાસેથી મેળવ્યા હોવાની હકીકત પકડાયેલા કિરણે જણાવી હતી. વધુમાં આ સરકારી શૈક્ષણિક સંસ્થાના સર્ટીફીકેટની જરૂરીયાત ધરાવતા જુદા-જુદા ગામડાના વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી માર્કશીટ દિઠ રૂપીયા લઇ પરીક્ષા પાસ કરેલ સર્ટી બનાવવામાં આવતા હતા. નકલી માર્કશીટ કૌભાંડ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, નડિયાદની ફરિયાદ આધારે ડાકોર પોલીસે કિરણભાઇ પ્રતાપભાઇ ચાવડા, નયનકુમાર જયેશભાઈ પરમાર અને ઉત્તરપ્રદેશના ડો. અખીલેશ પાન્ડે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે એસ. પી .ગઢીયા જણાવેલ કે આરોપીનાં રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરેલ છે. અને આ માર્કશીટનો માસ્ટર માઇન્ડ કોણ છે અને આમાં કોઈ પ્રોફેસરની સંડોવણી છે કે કેમ? ડુપ્લીકેટ માર્કશીટ કેટલાં વખત થી વેચતા હતા? કેટલાં રૂપિયા મા સોદો કરતા હતા? તેનો ખુલાસો આગામી દિવસો માં કરવામાં આવશે.
આરોપી પાસેથી મળી આવેલ ડુપ્લીકેટ માર્કશીટ સ્થાનિક અને બીજાં રાજ્યના કોલેજના વિદ્યાર્થીઓનાં નામની મળી આવેલ છે. આ બોગસ માર્કશીટ નો કોઈ દુરુપયોગ કરી નોકરી અથવા બીજા લાભો લીધા હશે તો આગામી દિવસોમાં તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે ડુપ્લીકેટ માર્કશીટના તાર કેટલા રાજ્યો સાથે જોડાયેલા છે તે જોવાનું રહ્યું.