છેલ્લા બે દિવસથી નર્મદા જીલ્લામાં ખાસ કરીને કેવડીયા ડેડીયાપાડા અને આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. બે દિવસના વરસાદના વાતાવરણ બાદ આજે વહેલી સવારે કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા આવેલી છે. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. આ ધુમ્મસ એટલું પ્રગાઢ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પણ દેખાતી નથી. એવું લાગી રહ્યું છે જાણે ગાઢ ધુમ્મસને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા ગાયબ થઈ ગઈ હોય.
આજે વહેલી સવારે કેવડીયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તાની આજુબાજુ ગાઢ ધુમ્મસ છવાઈ જવાને કારણે ખાસ કરીને વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડતી હતી અને સામે કશું જ દેખાતું નહોતું જેને કારણે પ્રવાસીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે હાલ ઠંડી અને ગરમીનો બેવડો માહોલ હોવાથી વહેલી સવારે ધુમ્મસને કારણે સ્ટેચ્યુની આજુબાજુનું કુદરતી સૌંદર્ય પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. આમ ઘણા વખત બાદ સ્ટેચ્યુ પરિસર વિસ્તારમાં ગાઢ ધુમ્મસનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે નર્મદા જિલ્લામાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણે પ્રકારની ઋતુઓનો માહોલ જામ્યો છે. વહેલી સવારે ધુમ્મસ અને ઠંડીનું વાતાવરણ હોય છે. બપોરે ગરમીનો માહોલ જણાય છે તો સાંજે ક્યાક વરસાદ પડતો હોય છે. જોકે આ કમોસમી વરસાદ અને ધુમ્મસને કારણે ખેડૂતો ચિંતીત બન્યા છે. ખાસ કરીને કપાસ, તુવેરના પાકને કમોસમી વરસાદ અને ધુમ્મસ નુકસાન કરી શકે તેમ છે.
દીપક જગતાપ, રાજપીપલા