17 ગામના સ્થાનિક લોકોએ નોકરીની માંગ સાથે હોબાળો મચાવ્યો,આગામી દિવસોમા 1000થી વધુ યુવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી ગેટ પાસે ઉગ્ર વિરોધની ચીમકી,નોકરી જમીન અને વળતરની માંગ સાથે સ્ટેચ્યુ પરિસરમાં પ્રવાસીઓને ઘૂસવા નહિ દઈએની ચીમકી
રાજપીપળા:નર્મદા બંધમાં જમીનો ગુમાવનાર કેવડિયા, કોઠી,નવાગામ,લીમડી,વાગડીયા અને ગોરા આમ કુલ 6 ગામો અને વિયર ડેમના 7 ગામો મળી 13 ગામોના લોકોનો નર્મદા અસરગ્રસ્ત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ફરી વિરોધ જોવા મળ્યો છે.આ ગામના લોકોએ રોજગારી મુદ્દે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર બહાર હલ્લાબોલ અને દેખાવો કરી નોકરીની માંગને ઉગ્ર બનાવી હતી.આ દેખાવા દરમિયાન નવા કર્મચારીઓને લેવામાં સ્થાનિક લોકોને ન લઈ અન્ય જિલ્લાના લોકોને લે છે એવા આક્ષેપ સાથે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા તંત્રમાં દોડધામ મચી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પોતાની વિવિધ માંગોને લઈને હોબાળો મચાવી દેખાવો કરતા નર્મદા અસરગ્રસ્ત સંઘર્ષ સમિતિના યુવાનોએ પોતાની માંગ મુદે ઉગ્ર સ્વરે જણાવ્યું હતું કે સરદાર સરોવર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટમાં વિસ્થાપીતોને લાયકાત મુજબ યોગ્ય નોકરી આપવામાં આવે.જો આવનાર સમયમાં આમ કરવામાં તંત્ર નિષ્ફળ રહેશે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કામ કરતી તમામ એજન્સીઓને બંધ કરી દેવાશે તથા પ્રવાસીઓને પણ આવતા અમે અટકાવીશું.સતત 3 વર્ષથી ચાલતી આ લડતમાં રાજકીય પક્ષ વિસ્થાપીતોને જુઠા વાયદાઓ આપી અંદરોઅંદર લડાવવાના પ્રયાસો કરી રહ્યા છે.જો અમારી માંગો તંત્ર ધ્યાનમાં નહિ લે તો આવનારા દિવસીમાં 1000 જેટલા યુવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી ગેટ પર એકત્ર થઈ ઉગ્ર દેખાવો કરશે.અમારી આ લડત દરમિયાન અમારા સંગઠનને તોડવાનો પ્રયાસ કરાશે,અમારા યુવાનો સાથે ગેરવર્તણૂક થશે તો એવા લુખ્ખા તત્વોને અમે સબક શીખવાડીશું.અમુક લોકો આ આંદોલનમાં સામેલ લોકોને જાનહાની પહોંચાડવાની કોશિશ કરે છે તો અમારા અગેવાનને પોલીસ પ્રોટેકશન આપવામાં આવે એવી અમારી માંગ છે એમ જણાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આગામી 15મી ડિસેમ્બરે ભારત દેશના રાષ્ટ્રપતિ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવી રહ્યા છે,તથા આગામી 20 થી 22 ડિસેમ્બર દરમિયાન કેવડિયા ખાતે પીએમ મોદીની ઉપસ્થિતિમાં ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફ્રાન્સ યોજવા જઈ રહી છે ત્યારે ફરી અસરગ્રસ્તોએ નોકરી મુદ્દે આંદોલનનું હથિયાર ઉગામતા આ બન્ને મહત્વના કાર્યક્રમોની તૈયારીમાં વ્યસ્ત જિલ્લા વહીવટીતંત્રમાં દોડધામ મચી છે.