નર્મદા જિલ્લાનું વડુ મથક રાજપીપળા નર્મદા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ વિકાસથી વંચિત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રાજપીપળાના નાગરિકોને ગામનો વિકાસ થશે તેવી આશા જાગી હતી પરંતુ એક પછી એક તમામ પ્રોજેકટ કેવડીયા તરફ જતા રહ્યા જેથી રાજપીપળા હજી પણ વિકાસથી વંચિત રહી ગયું હોય તેમ અહીં નાગરિકોને લાગી રહ્યું છે ઉપરાંત નર્મદા જિલ્લામાં કોઈપણ પ્રકારનાં મોટા ઉદ્યોગ આવેલ નથી જેથી રોજગારી માટે લોકોને વલખા મારવા પડે છે.
સ્ટેચ્યુ બનવાથી પ્રવાસન વિકાસની સાથે બહારથી પ્રવાસીઓ આવશે તો ધંધા રોજગાર ધમધમશે તેમ વેપારીઓને આશા બંધાઈ હતી પરંતું મોટાભાગના તમામ પ્રોજેકટ કેવડિયા તરફ હોઈ પ્રવાસીઓ બાયપાસ જતા રહે છે જેથી વેપાર ધંધા ઠપ થઈ જવા પામ્યા છે ત્યારે રાજપીપળા શહેરનો વિકાસ થાય તે માંગ સાથે રાજપીપળા એરિયા કાપડ મરચન્ટ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપી વેપારીઓની વેદના વ્યક્ત કરી છે અને વિકાસની રાહ જોતા રાજપીપળાની પ્રજાને વિકાસનો ખરો સ્વાદ ચાખવા મળે તેવી માંગ કરી છે.
અવેદનમાં જણાવ્યું છે કે નર્મદા જીલ્લાના વડું મથક રાજપીપળા હાલ વિકારાથી વંચીત છે તેમજ રાજપીપળાથી અંકલેશ્વર સુધી ચાલતી ટ્રેન રેલ્વે વિભાગને ખોટ જતી હોવાની વાત હેઠળ કાયમી ધોરણે બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે આ ટ્રેનને અંકલેશ્વર સુધી ઝડપી દોડાવવામાં આવે જેથી રાજપીપળાથી અંકલેશ્વર આવન જાવન કરતા મુસાફરો તેમજ વેપારી વર્ગ માટે ખુબ સરળતા પડી રહે. હાલમાં આ ટ્રેન ૩ થી ૪ કલાકે અંકલેશ્વર પહોચાડે છે જેને બંધ ન કરી ઝડપથી દોડાવવા વિનંતી કરી છે ઉપરાંત આ રેલ્વેને રાજપીપળાથી વાયા કેવડીયાથી વડોદરા સુધી લંબાવાય તો અંકલેશ્વર, સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવન જાવન તેમજ રાજપીપળાથી વડોદરા આવન જાવનમાં ખુબ જ સરળતા રહે. તેમજ કેવડીયાથી મુંબઇ જનારી ટ્રેન પણ વાયા રાજપીપળા થઇને મુંબઈ જવા માટે ચાલુ કરવામાં આવે તો સરળતા રહે. જો આ રીતની રેલવેની વ્યવસ્થા કરવામાં આવે તો રાજપીપળાનાં વેપારીઓને વેપારમાં પણ ફાયદો થશે. હાલ રાજપીપલામાં વેપાર ધંધા ખુબ જ પડી ભાંગ્યા છે તે માટે કેવડીયાની જેમ સજપીપળા રાજવી નગરીમાં પણ થોડા પ્રોજેકટો આવે તો હાલ જે રાજપીપળા બાયપાસ થઇને કેવડીયા જતા પ્રવાસીઓ રાજપીપળામાં આવે તો અમારા વેપાર રોજગારનો પણ વિકાસ થાય તેવું વેપારીઓએ જણાવ્યું છે.
આવેદનમાં વેપારીઓએ પોતાના અસ્તિત્વ ઉપર ભય વ્યક્ત કરતા જણાવ્યું છે કે રાજપીપળાનો વિકાસ નહીં થાય તો અમારા વેપાર રોજગાર બંધ કરીને બહારગામ હિજરત કરવાનો વારો આવે એમ મને લાગી રહ્યું છે. વધુમાં રાજપીપળા તેમજ તેની આજુબાજુનાં વિસ્તારમાં કોઇપણ જાતની ઇન્ડસ્ટ્રીઝ આવેલી નથી તો રાજપીપળા પણ ટુરીઝમ ક્ષેત્રે વિકાસ પામે તો જ રાજપીપળાના વેપારીઓ તેમજ જનતાને ફાયદાકારક નીવડે તો રાજપીપળાનાં વિકાસ કાર્યમાં મદદરૂપ થવા વેપારીઓએ જિલ્લા સમાહરતા સામે ગુહાર લગાવી છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી