(વિશાલ મિસ્ત્રી રાજપીપલા):નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા.૮ મી જાન્યુઆરી ૨૦૧૮ ને મંગળવારના રોજ સવારે ૯-૩૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડીયામાં લીમડી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રવાસન નિગમના ડિરેક્ટર ગજેન્દ્રસિંહ જાડેજા,ગુજરાતના માજી વન રાજ્યમંત્રી શબ્દશરણ તડવી,નર્મદા જિલ્લા કલેકટર આર.એસ.નિનામાં,ડીડીઓ જીન્સી વિલિયમ્સ,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ સહિત અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૧૯ યોજાયો હતો.
નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જુદા જુદા ૧૫ જેટલા દેશોનાં ૪૮ પતંગબાજો અને ભારતનાં ગુજરાત સહિત જુદા જુદા ૯ રાજ્યોનાં ૫૭ પતંગબાજો સહિત કુલ- ૧૦૫ જેટલા પતંગબાજો ભાગ લીધો હતો.આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આર્જેન્ટીના,ઓસ્ટ્રેલીયા,બેલારૂસ,બેલ્જીયમ,બ્રાઝીલ,બલ્ગેરીયા,કંબોડીયા,કેનેડા,ચીલે,ચાઇના,કોલંબીઆ,ક્રોએટીઆ,ક્યુરેકો,એસ્ટોનીયા અને ફીનલેન્ડ જેવા વિવિધ દેશોના ૪૮ પતંગબાજો ઉપરાંત ભારતના ગુજરાત,આંધ્રપ્રદેશ,બિહાર,કર્ણાટક,મહારાષ્ટ્ર,દિલ્હી,પશ્વિમ બંગાળ,કેરાલા અને રાજસ્થાન રાજ્યોના ૫૭ જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે લઈને આદિવાસી આગેવાન પ્રફુલ્લ વસાવા સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટના અન્ય વિરોધીઓએ કાળી પતંગો આકાશમાં ચગાવી આ કાર્યક્રમનો વિરોધ કરવાની ચીમકી આપી હતી.ત્યારે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પોતાના સંબોધન દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમના ડિરેક્ટર ગજેન્દ્રસિંહ જાડેજાએ આક્રમક રીતે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી વિકાસની વિપુલ તકો અને સ્થાનિકોને રોજગારી પણ ઉપલબ્ધ થઈ છે.ત્યારે જિલ્લાના વિકાસના આડે આવી અવરોધ ઉભો કરતા વિરોધીઓ ચેતી જાય લોકો હવે એમની વાતોમાં નથી આવવના.ગુજરાય રાજ્યના તમામ મહત્વના કાર્યક્રમો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર થાય એવી સરકાર પાસે આશા રાખીએ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમને લીધે કેવડિયા વિશ્વના નકશામાં અંકિત થયું છે એનો શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે.આવા કાર્યક્રમો થકી ભારત દેશની અને વિદેશની સંસ્કૃતિઓનું પરસ્પર આદન પ્રદાન થાય છે.