(વિશાલ મિસ્ત્રી રાજપીપલા):કેવડિયા ગામને ખસેડી વિવિધ રાજ્યોના ભવનો બનાવવાની સરકારની હિલચાલને પગલે કેવડિયા ગામે પ્રાથમિક શાળા પાસે ગત 2 ડિસેમ્બરના મોટી ગ્રામસભા યોજી સરકારની આદિવાસી વિરોધી નીતી સામે જરૂરી વિરોધ નોંધાવતા ઠરાવો કરવામાં આવ્યા હતા.આ ગ્રામસભા માત્ર કેવડિયા ગામની હતી જેમાં કોઈ સરકારી અધિકારી કે તલાટી,સરપંચ હાજર ન હતા પરંતુ કેવડિયા ગામના તમામ લોકો હાજર રહ્યા હતા.હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને કેવડિયા ગામને હટાવીને વિવિધ રાજ્યોના ભવનો બનવાના હોવાથી આખું ગામ ખસેડી સંપાદન કરવામાં આવનાર છે,સરકારની આ હિલચાલ અને મનસૂબાની ગ્રામજનોને ખબર પડતા આખું ગામ ભેગું થયું હતું.અને ગ્રામસભા બોલાવી આ ભવનોનો વિરોધ કરતો એક ઠરાવ પણ પસાર કરાયો હતો.આ ઠરાવની નકલ જિલ્લા કલેક્ટર અને નર્મદા નિગમને પણ આપવામાં આવી હતી.પરંતુ આ ઠરાવને માન્ય નહિ રાખતા સરકારી જાહેર ગ્રામસભા 24ના રોજ રાખવામાં આવી હતી.પરંતુ એ દરમિયાન ઘર્ષણ થશે એવી બીકે તંત્ર દ્વારા એની તારીખ બદલીને 27 ડિસેમ્બર રાખવામાં આવી હતી.એ મુજબ 27મી ડિસેમ્બરે કેવડિયા,કોઠી અને ગભાણા એમ ત્રણ ગામની સહિયારી ગ્રામસભા યોજવામાં આવી.
ગ્રામસભામાં પ્રથમ રાજપીપળાથી એરપોર્ટ ખસેડી આમદલા ખાતે લાવવામાં આવ્યો તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.સાથે ગ્રામપંચાયતની મંજૂરી વગર એક પણ વિકાસના કામો કરવા નહિ અને કોઈ પણ જમીન હવે સંપાદન નહિ થાય,આદિવસીઓને 100% રોજગારી આપો,તમામ સ્થાનિક આદિવાસી માટે સ્ટેચ્યુ ફ્રી માં જોવા દેવું,જેણે ભારત એક કર્યું એવી પ્રતિમાના સ્થાને વિવિધ રાજ્યોના ભવન કેમ?એની જગ્યાએ માત્ર એક આદિવાસી ભવન બને અને એ શ્રેષ્ઠ ભારત ભવનનું નામ આદિવાસી ભવન રાખવામાં આવે એવી માંગ કરતા ઠરાવો પસાર કરાયા હતા.હવે જોવું રહ્યું કે જે ગ્રામજનોએ ર વિવિધ ઠરાવો સરકારી ચોપડે નોંધાવ્યા છે ત્યારે હવે એના પર અમલ થશે કે કેમ,કે પછી આ માંગણીઓ ત્યાંની ત્યાંજ રહેશે એ તો સમય જ બતાવશે.