કેશોદ ગામના બાંધકામ સાથે સંકળાયેલ 28 વર્ષિય યુવાન કેવલ સવાણીની હત્યા કરી 4 લાખના દાગીનાની લુંટ ચલાવવામાં આવી હતી. આ અંગે મૃતક યુવાનના પિતા રમેશભાઇ સવાણીની ફરિયાદના પગલે કેશોદ પોલીસે આરોપી મહોબતસિંહ હનુભાઇ સિસોદિયાની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં આરોપીએ મૃતક યુવાનનો મોબાઇલ કૂવામાં ફેંકી દીધો હોવાની કબૂલાત આપી હતી. જોકે કેશોદ ફાયર ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પરંતુ પુરતા સાધનોના અભાવે મોબાઇલ મળી આવ્યો ન હતો. બાદમાં જૂનાગઢ મનપાના કમિશ્નરને પત્ર પાઠવી ફાયર ટીમ મોકલવા જણાવાયું હતું. બાદમાં જૂનાગઢ ફાયર વિભાગના ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂર, કમલેશ પુરોહિત, રાજીવ ગોહિલ, યશપાલ પરમાર અને અમદાવાદના નિરવ પુરોહિતે ઓપરેશન હાથ ધર્યું હતું. આ ટીમે કેમેરા, અન્ડર વોટર લાઇટ, જનરેટર, ઓકસીજનનો બાટલો વગેરે લઇ 70 ફૂટ ઉંડા અને 45 ફૂટ પાણી ભરેલા કૂવામાં તપાસ હાથ ધરી હતી.
તમામ સાધન સામગ્રી ગોઠવ્યા બાદ ટીમ અંદર ઉતરી હતી.કેમેરાને લેપટોપ સાથે કનેકટ્ કરી મોબાઇલ કયાં પડયો છે તે જાણી લઇ બાદમાં મોબાઇલ કાઢી કેશોદ પોલીસના પીઆઇ ડી.જે. ઝાલાને સુપરત કર્યો હતો. ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂરે જણાવ્યું હતું કે , ગુજરાતમાં સાયન્ટીફીક રીતે કૂવામાંથી મોબાઇલ કાઢવાનો આ પ્રથમ કિસ્સો છે.હવે આ મોબાઇલને એફએસએલમાં મોકલી ડિટેઇલ કઢાવવામાં આવશે જેથી આ હત્યામાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે જાણી શકાશે અને તપાસ યોગ્ય દિશામાં થઇ શકશે…સૌજન્ય