કેરળનું નામ બદલવાનું છે. કેરળનું સત્તાવાર નામ બદલીને કેરલમ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પિનરાઈ વિજયન સરકારે વિધાનસભામાં નામ બદલવાનો ઠરાવ પસાર કરી દીધો છે. તેમણે કેન્દ્ર સરકારને કેરળ રાજ્યનું નામ બદલીને કેરલમ કરવાની અપીલ કરી છે. તમામ ભાષાઓમાં કેરળનું નામ હવે કેરલમ જ હોય.
સીએમ પિનરાઈ વિજયને અપીલ કરી છે કે બંધારણની આઠમી અનુસૂચિમાં પણ કેરળનું નામ બદલીને કેરલમ કરી દેવામાં આવે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે મલયાલમમાં રાજ્યનું નામ ‘કેરલમ’ જ છે. તેને અન્ય ભાષાઓમાં કેરળ કહેવામાં આવે છે.
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને અપીલ કરી છે કે કેન્દ્ર સરકારે રાજ્યનું નામ બદલવાના પ્રસ્તાવ પર વહેલી તકે મહોર મારી દે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ યુડીએફ (યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) દ્વારા પણ આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
બંધારણ મુજબ, સંસદ દ્વારા સામાન્ય બહુમતી સાથે રાજ્યનું નામ બદલી શકાય છે. જોકે રાષ્ટ્રપતિની ભલામણ પર આ માટે બિલ રજૂ કરવું પડશે. બિલ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ તેને સંબંધિત રાજ્યની વિધાનસભામાં મોકલે છે. એસેમ્બલી તેને નિર્ધારિત સમયની અંદર મહોર લગાવે છે. જોકે, રાજ્ય વિધાનસભાનો અભિપ્રાય રાષ્ટ્રપતિ કે સંસદને બંધનકર્તા હોતો નથી.