હવે સોશિયલ મીડિયામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો વિરુદ્ધ અપમાનજનક અથવા અભદ્ર ટિપ્પણી કરવી ભારે પડી શકે છે. જો તમે આવી ટિપ્પણી કરશો તો તમારે પણ જેલ જવું પડશે.
કેરળ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, જો SC/ST વર્ગના કોઈપણ વ્યક્તિ પ્રત્યે સોશિયલ મીડિયામાં કોઈ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવે તો SC/ST એક્ટની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવે.
આ આદેશ સાથે હાઈકોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. એક યુટ્યુબરે સોશિયલ મીડિયામાં એસસી અને એસટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં જામીન માંગ્યા હતા. જામીન અરજી રદ કરતા કેરળ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ઓનલાઈન માધ્યમ દ્વારા SC/ST સાથે જોડાયેલા વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીને પણ SC/ST એક્ટ હેઠળ ગુનો ગણવામાં આવશે.
અરજદારે એક ઈન્ટરવ્યુમાં SC/ST કેટેગરીની મહિલા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ઈન્ટરવ્યુ બાદમાં સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ધરપકડના ડરથી યુટ્યુબરે હાઈકોર્ટ પાસે આગોતરા જામીનની માંગણી કરી હતી. તેણીએ અરજીમાં કહ્યું હતું કે તે પીડિતાના ઇન્ટરવ્યુ દરમિયાન હાજર ન હતી, તેથી તેને SC/ST એક્ટ હેઠળની કાર્યવાહીમાંથી મુક્ત કરવામાં આવે.
તેણે એમ દલીલ પણ કરી હતી કે, SC/ST વર્ગ સામે અપમાનજનક ટિપ્પણી ત્યારે જ ધ્યાનમાં લેવી જોઈએ જ્યારે તે પીડિત વ્યક્તિની સામે કરવામાં આવે. આનો વિરોધ કરતાં ફરિયાદ પક્ષે કહ્યું કે પીડિતાની સામે કરવામાં આવેલી ટિપ્પણીને અપમાનજનક ગણવી ખોટી ગણાશે. ડિજિટલ મીડિયાના યુગમાં, આ પ્રકારનું અર્થઘટન કાયદાની નજરમાં ખોટું હશે. પીડિતાના વકીલે પણ અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આરોપીએ જાણી જોઈને અને જાહેરમાં એસટી વ્યક્તિનું અપમાન કર્યું હતું.