આજે રામબન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવેને બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે જમ્મુથી શ્રીનગરની અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે અટકાવવામાં આવી હતી. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર વાહનોની અવાર જવર પણ ઠપ થઇ ગઈ છે.
રામબનમાં ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, રામબન જિલ્લામાં હાઈવે પર ભૂસ્ખલનને કારણે જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ પરત ફરતા યાત્રાળુઓની અવરજવર સ્થગિત કરવામાં આવી છે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, “રામબન જિલ્લાના ટી2 મરોગ ખાતે ભૂસ્ખલનથી હાઇવે બંધ થઈ ગયો છે.’ જ્યાં સુધી રોડ પરથી કાટમાળ હટાવવામાં ન આવે ત્યાં સુધી અમરનાથ યાત્રા સ્થગિત રહેશે.
અગાઉ ટ્રાફિક પોલીસે એક એડવાઈઝરી જારી કરીને કહ્યું હતું કે, “લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ટ્રાફિક કંટ્રોલ યુનિટની પુષ્ટિ વિના NH-44 પર મુસાફરી ન કરે.” ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.