કાશ્મીરને લગભગ ત્રણ દાયકા પછી મનોરંજનની મોટી ભેટ મળવા જઈ રહી છે. મંગળવારે લેફ્ટનન્ટ જનરલ મનોજ સિન્હાએ ઘાટીના પ્રથમ મલ્ટિપ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું છે. રવિવારે પણ સિંહાએ દક્ષિણ કાશ્મીરના શોપિયાં અને પુલવામા જિલ્લામાં સિનેમા હોલ ખોલ્યા હતા. અહેવાલ છે કે INOX ચેઇનના આ મલ્ટિપ્લેક્સમાં આમિર ખાન સ્ટારર ‘લાલ સિંહ ચઢ્ઢા’ના પ્રીમિયરથી ફિલ્મો દર્શાવવાનું શરૂ થશે.
આ મલ્ટીપ્લેક્સમાં ત્રણ સ્ક્રીન હશે, જ્યાં એક સમયે 522 દર્શકો ફિલ્મનો આનંદ માણી શકશે. સૌથી પહેલા અહીં કાશ્મીરમાં જ આંશિક રૂપથી શૂટ થયેલી આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ દર્શાવવામાં આવશે. આ પછી 30 સપ્ટેમ્બરે સૈફ અલી ખાન અને હૃતિક રોશનની વિક્રમ વેધા બતાવવામાં આવશે. હાલમાં, સવારે 9 થી સાંજે 6 વાગ્યાની વચ્ચે દિવસમાં ત્રણ શો ચલાવવાની યોજના છે. બાદમાં દર્શકોની સંખ્યાના આધારે આમાં ફેરફાર કરવામાં આવશે.
1990 ના સમયમાં પણ કેટલાક થિયેટર ખોલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, આતંકવાદને કારણે પ્રયાસો સંપૂર્ણપણે સફળ થયા ન હતા. સપ્ટેમ્બર 1999 માં લાલ ચોકમાં આવેલા રીગલ સિનેમા પર આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. એવું કહેવાય છે કે 80 ના દાયકા સુધી ઘાટીમાં લગભગ એક ડઝન સિનેમાઘરો હતા, પરંતુ માલિકોને આતંકવાદીઓ તરફથી મળેલી ધમકીને કારણે બંધ કરી દીધા હતા.
પ્રોજેક્ટના ચેરમેન વિજય ધરે જણાવ્યું હતું કે, યુવાનોને સિનેમાને લગતી એવી જ સુવિધાઓ મળવી જોઈએ જે તેમને કાશ્મીરની બહાર મળે છે. તેમણે કહ્યું, ‘અમે જોયું છે કે 30 વર્ષથી અહીં આવી કોઈ વસ્તુઓ થઈ ન હતી. તો આમ વિચાર્યું, કેમ નહીં? પછી અમે શરૂઆત કરી. યુવાનોને સિનેમામાં જે સુવિધા મેળવી જોઈએ જે તેમણે જમ્મુ કે દેશના અન્ય શહેરોમાં મળે છે.’
આ પ્રસંગને “ઐતિહાસિક” ગણાવતા સિંહાએ પુલવામામાં પત્રકારોને કહ્યું, “અમે ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરના દરેક જિલ્લામાં આવા મલ્ટીપર્પઝ સિનેમા હોલ બનાવીશું. આજે હું આવા સિનેમા હોલ પુલવામા અને શોપિયાંના યુવાનોને સમર્પિત કરું છું.’ તેમણે કહ્યું કે અનંતનાગ, શ્રીનગર, બાંદીપોરા, ગંદેરબલ, ડોડા, રાજૌરી, પુંછ, કિશ્તવાડ અને રિયાસીમાં ટૂંક સમયમાં સિનેમા હોલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.