કર્ણાટકના ઉડુપી જિલ્લામાં રવિવારે સાંજે વરસાદથી પ્રભાવિત ઉડુપીમાં ઇન્સ્ટાગ્રામ રીલનું શૂટિંગ કરતી વખતે, એક વ્યક્તિ લપસીને ધોધમાં પડ્યો અને પછી પાણીના પ્રવાહમાં વહી ગયો હતો. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક માણસને ભારે વરસાદ પછી ઝડપથી વહેતા ધોધને જોવા માટે ખડક પર ઊભો જોઈ શકાય છે. આ દરમિયાન તે વ્યક્તિ પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને ધોધમાં પડી જાય છે. ધોધનો પ્રવાહ તેને પોતાની સાથે ખેંચી લઈ જાય છે. આ વ્યક્તિની ઓળખ 23 વર્ષીય શરથ કુમાર તરીકે થઈ છે, જે શિવમોગ્ગા જિલ્લાના ભદ્રાવતીનો રહેવાસી છે. શરથ કુમાર ઈન્સ્ટાગ્રામ વીડિયો બનાવવા માટે ઉડુપી જિલ્લાના બિંદુરમાં અરિશિનગુંડી ધોધ પર ગયો હતો. ધોધના કિનારે એક ખડક પર ઊભો હતો ત્યારે તે લપસી ગયો અને વહી ગયો હતો. તેની શોધખોળ ચાલુ છે આ ઘટનાનો સમગ્ર વીડિયો તે વ્યક્તિના મિત્રના કેમેરામાં કેદ થઈ ગયો હતો.
પોલીસ અને ઇમરજન્સી સેવાઓ તરત જ શોધ અને બચાવ કામગીરી હાથ ધરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢી શકાયો ન હતો. પોલીસે જણાવ્યું હતું કે બચાવ કામગીરી આજે પણ ચાલુ રહેશે. ઉડુપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદ થયો છે, જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.