ઓકિનાવાના શોરૂમમાં આગ લાગી હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા ચેન્નાઈ સ્થિત ઓકિનાવા ઓટોટેકનો શોરૂમ પણ આવી જ ઘટનાનો શિકાર બન્યો હતો. હાલ મેંગલુરુની ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરર્સના ખરાબ દિવસો ચાલી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. ડીઝલ-પેટ્રોલ વાહનોની સરખામણીમાં વધુ ખર્ચને કારણે તેઓ પહેલેથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. અને હવે ઇલેક્ટ્રિક વાહનોમાં સતત આગ લાગવાના કિસ્સાઓ તેમના બજાર પર સવાલો પેદા કરી રહ્યાં છે. બે દિવસ પહેલા Tata Nexon EV માં આગ લાગવાના સમાચાર આવ્યા હતા. હવે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બનાવતી કંપની ઓકિનાવાનો બીજો શોરૂમ આગમાં બળીને ખાખ થઈ ગયો છે.
હાલનો પ્રકાશમાં આવેલો આ સમગ્ર મામલો કર્ણાટકના મેંગલુરુ શહેરનો છે. ઓકિનાવા ઓટોટેકના શોરૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને ત્યાં પાર્ક કરેલા વાહનો તેનો ભોગ બન્યા હતા. ઓકિનાવાના શોરૂમમાં આગ લાગી હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા ચેન્નાઈ સ્થિત ઓકિનાવા ઓટોટેકનો શોરૂમ પણ આવી જ ઘટનાનો શિકાર બન્યો હતો.
આગની ઘટનાને લઈ ઓકિનાવા ઓટોટેકે પણ નિવેદન બહાર પાડ્યું છે. કંપનીએ કહ્યું છે કે સમગ્ર ઘટના શોર્ટ સર્કિટના કારણે બની હોય તેવુ પ્રાથમિક અહેવાલ પ્રમાણે લાગી રહ્યું છે. સાથે કંપનીએ કહ્યું છે કે ‘અમે ડીલરના સંપર્કમાં છીએ અને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છીએ. સલામતી એ ઓકિનાવાની પ્રાથમિકતા છે. અમે ખાતરી આપવા માંગીએ છીએ કે દેશભરના તમામ શોરૂમ સુરક્ષાના ધોરણોનું પાલન કરશે.’