ભરૂચ જિલ્લાના પાલેજ પાસેથી પસાર થઇ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર તરફ જઇ રહેલા માર્ગનું હાલ કામ ચાલી રહ્યું છે. માર્ગનું કામ ચાલુ હોવાના કારણે માર્ગ પરથી રેતી ભરી પસાર થતા ડમ્પરો તેમજ અન્ય વાહનોના કારણે મોટી માત્રામાં ધૂળ ઉડી રહી છે. જે ધૂળ ઉડીને માર્ગને અડીને આવેલા ખેતરોમાં ઉભા પાકને નુક્સાન કરી રહી હોવાના સારિંગ ગામના ખેડૂતો દ્વારા આક્ષેપ થઇ રહ્યા છે. મિડીયા ટીમ દ્વારા સારિંગ ગામની મુલાકાત લેતા ખેડૂતોમાં તંત્ર વિરુધ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ખેડૂતોએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી આ માર્ગનું કામ ચાલી રહ્યું છે.
જેના કારણે માર્ગ પરથી ઉડી રહેલી ધૂળ માર્ગની બાજુમાં આવેલા ખેતરોમાં ઉભા પાકને ભારે નુક્સાન કરી રહી હોવાના આક્ષેપો કર્યા હતા. આ બાબતે ખેડૂતોએ સંબધિતોને રજુઆત કરી હોવાનું પણ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું. ખેડૂતોએ સીધો આક્ષેપ કર્યો હતો કે અમે વારંવાર સંબધિતોને રજુઆત કરી હોવા છતાં આજદિન સુધી હજુ કોઇ નિરાકરણ આવ્યું નથી. ધૂળના કારણે ખેતીના પાકને ગંભીર નુકસાન થઇ રહ્યું હોવાના આક્ષેપો પણ ખેડૂતોએ કર્યા હતા. માર્ગનું સમારકામ ઝડપથી પૂર્ણ કરવા ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે. આ બાબતે કોઇ નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે માર્ગનું કામ તંત્ર દ્વારા ક્યારે પૂર્ણ થશે તે તો આવનારો સમય જ બતાવશે.
યાકુબ પટેલ, કરજણ
સારીંગ ગામ નજીક માર્ગ પરની ધૂળ ઉડવાના કારણે ખેતીના પાકને નુકસાન થઇ રહ્યું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ.
Advertisement