કરજણ તાલુકાના ભરથાણા ગામે થયેલી બોલાચાલીમાં ફરિયાદી વચ્ચે છોડાવવા પડેલ હોય તેની અદાવત રાખી ફરિયાદીને ફેટ પકડી ગાળો બોલી જાતિ વિષયક અપશબ્દો બોલવા બાબતે ગામના બે ઈસમો વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવા પામી છે.
ફરિયાદમાં જણાવ્યાનુસાર ગત તા.14 ના બપોર બાદ કરજણ તાલુકાના ભરથાણા ગામે રહેતાં અક્ષયભાઈ અંબાલાલ વસાવાને ગામના ચિરાગભાઈ યોગેશભાઈ પુરોહિત તથા યશ યોગેશભાઈ પુરોહિતનાઓ સાથે કોઈ કારણોસર ઝઘડો થવા પામ્યો હતો. તે દરમિયાન આજ ગામમાં રહેતાં ફરિયાદી અલ્પેશભાઈ પ્રવિણભાઇ વસાવા સહિત અન્ય ગામલોકો વચ્ચે છોડાવવા પડ્યા હતાં અને સમાધાન કરાવેલ હોવાનું ફરિયાદી જણાવે છે. ત્યારબાદ ફરિયાદી ગામમાં શાકભાજી લઈ ઘરે પાછા આવ્યા ત્યારે ઝઘડો-બોલાચાલી કરનાર ચિરાગ પુરોહિત અને યશ પુરોહિતનાઓ ઉભેલા હતાં. ફરિયાદીને ગાળો બોલી મારવા ધસી આવ્યા હતા અને ફેટ પકડી લીધી હતી. તેમજ ફરિયાદીના પરિવારને તેને કહેજે કે સરખો રહે નહીં તો ગમે ત્યારે ઉઠાવી લઈશું તેમ કહી જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાન કર્યું હતું. જે બાબતે ઉપરોક્ત બંને ઈસમો વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતાં કરજણ પોલીસે ફરિયાદ નોંધી છે.
યાકુબ પટેલ, કરજણ