કરજણ તાલુકાના કલ્લા શરીફ ખાતે આજરોજ તા.૨ જી જાન્યુઆરીના રોજ ૩૦ મી રક્તદાન શિબિર, ૧૭ મો રોગ નિદાન કેમ્પ તેમજ ૪૫ મો લિગલ ક્લિનિક કાર્યક્રમ યોજાયો હતો. ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ફૈજ યંગ સર્કલના હોદ્દેદારો અને કાર્યકરોએ જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યુ હતુ. અત્રે આયોજિત રક્તદાન શિબિરમાં કુલ ૨૧૭ યુનિટ રક્ત એકત્ર થયુ હતુ. જલારામ બ્લડ બેંક વડોદરા, આયુષ બ્લડ બેંક વડોદરા તેમજ સયાજી હોસ્પિટલ વડોદરાના સહયોગથી રક્તદાન શિબિર યોજાઇ હતી. ૧૭ મા રોગનિદાન કેમ્પના કાર્યક્રમમાં વિવિધ રોગ નિષ્ણાત તબીબો દ્વારા ઉપસ્થિત દર્દીઓને તપાસીને રોગ નિદાન કરીને જરુરી તબીબી સલાહ આપવામાં આવી હતી. આયોજિત રોગનિદાન કેમ્પમાં વિવિધ બિમારીઓ વાળા કુલ ૧૫૧ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. વધુમાં જણાવાયા મુજબ ઘનિષ્ઠ સારવારની જરૂરવાળા દર્દીઓને આગામી પાંચમી તારીખે વાઘોડિયા તાલુકાના પિપરીયા ખાતેની ધીરજ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાશે. આયોજિત લિગલ ક્લિનિક કાર્યક્રમમાં વિવિધ કાયદા તજજ્ઞો દ્વારા સેવા આપવામાં આવી હતી. તે અંતર્ગત સાત જેટલા કેસોમાં સુખદ સમાધાન કરાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. વિવિધ સ્થળોએથી અત્રે પધારેલ લોકોએ કલ્લા શરીફ સ્થિત સૈયદ મુસ્તાકઅલી બાવા અને સૈયદ વાહેદઅલી બાવાની મુબારક દુઆઓનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છેકે કલ્લા સ્થિત ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સંસ્થા દ્વારા શૈક્ષણિક, આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ ઉપરાંત સમુહ લગ્નના સફળ કાર્યક્રમ પણ યોજાય છે. સૈયદ મુસ્તાકઅલી બાવા બહોળો અનુયાયી ગણ ધરાવે છે. તેમના અનુયાયીઓ ગુજરાત તેમજ ગુજરાત બહાર મોટી સંખ્યામાં આવેલા છે. અત્રે આયોજિત કાર્યક્રમમાં સૈયદ મુસ્તાકઅલી બાવા અને સૈયદ વાહેદઅલી બાવા ઉપસ્થિત રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
કરજણનાં કલ્લા શરીફ ખાતે રક્તદાન શિબિર રોગ નિદાન કેમ્પ તેમજ લિગલ ક્લિનિક કાર્યક્રમ યોજાયા.
Advertisement