ભરૂચ તાલુકાના જંગાર ગામે રહેતા આસિફભાઇ જંગારીયાવાલા ગામના અન્ય મિત્રો સાથે ખેતરોમાં જંગલી પ્રાણીનો શિકાર કરવા ગયા હોવાના પ્રકરણમાં આસિફભાઇને છાતીના ભાગે ગોળી વાગેલી અવસ્થામાં ઘરે લાવતા તેઓને સારવાર મળે તે પહેલા મોત નિપજતા પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પેનલ પી.એમ કરાવી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર આસિફભાઇ જંગારીયાવાલા ગત મોડી રાત્રિએ નવ વાગ્યાના અરસામાં કેટલાક મિત્રો સાથે ખેતરોમાં ખેતીને નુકસાન કરનારા જંગલી પ્રાણીઓના શિકાર અર્થે ગયા હતા ત્યારબાદ જંગલી પ્રાણીઓના શિકાર કરતી વેળા બંદૂકમાંથી ગોળી છૂટી આસિફભાઇની છાતીની આરપાર થઈ જતાં તેઓ સ્થળ ઉપર ઢળી પડ્યા હતા અને ગંભીર અવસ્થામાં લોહીલુહાણ અવસ્થામાં તેઓને તેઓના ઘરે લઇ ગયા હતા અને તેઓ તેને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડતા તેનું ફરજ પરના તબીબોએ મરણ જાહેર કરતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબજો લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પી.એમ કરાવી સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
જોકે આસિફભાઇ જંગારીયાવાલાને ગોળી વાગી છે કે તેની હત્યા કરવામાં આવી છે તેવી અનેક શંકા કુશંકા ઉભી થતા પોલીસે પણ મૃતદેહનું પેનલ પી.એમ કરાવ્યું છે અને તેની સાથે રહેલા કેટલાક લોકો ફરાર હોય અને તેમના મોબાઈલ સ્વીચ ઓફ હોવાના પગલે સમગ્ર ઘટનાનું રહસ્ય હજુ અકબંધ છે પરંતુ પોલીસે સમગ્ર પ્રકરણમાં ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.