ભરૂચ જિલ્લાના પાલેજ થી ૫ કિ.મી. ના અંતરે આવેલા કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં કરૂણાંતિકા સર્જાઈ હતી. ગતરોજ બપોરના લાપતા બનેલા ત્રણ કિશોરોના મૃતદેહો ગામની તળાવડીમાંથી મળી આવતા ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોલીયાદ ગામના રબારીવાસમાં રહેતા સુરેશભાઇ સાનિયાના ત્રણ પુત્રો મધુરકુમાર, ધ્રુવકુમાર તેમજ ઉત્તમકુમાર ઉ.વ. અનુક્રમે 12, 10 તેમજ 8 ગતરોજ બપોરના લાપતા બન્યા હતા. લાપતા બનેલા કિશોરની તેઓના પરિવારજનોએ શોધખોળ આદરી હતી પણ લાપતા બનેલા કિશોરો મળી આવ્યા ન હતા.
જે સંદર્ભે કરજણ પોલીસ મથકમાં પણ જાણ કરાઈ હતી. બુધવારના રોજ સવારે ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલી તળાવડીમાં ક્રિકેટ બોલ તરતો જોવા મળતા હતા જેના આધારે શોધખોળ આદરતા ત્રણેય કિશોરોના મૃતદેહો તળાવડીમાં હોવાના અનુમાનના આધારે તળાવડીમાં વાંસ નાખતા એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે અન્ય બે લાપતા બનેલા કિશોર પણ તળાવમાંથી મળી આવતા સર્જાયેલી કરૂણાંતિકા ક્રિકેટ બોલના કારણે સર્જાઇ હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
કિશોરોના મૃતદેહોને તલાવડીમાંથી બહાર કાઢતા કિશોરોના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની જવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણ કિશોરના મૃતદેહોનો કબ્જો મેળવી પી.એમ અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા. આમ નાનકડા ગામમાં સર્જાયેલી કરૂણાંતિકાના પગલે ગામમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી. ઘટના સંદર્ભે વધુ તપાસ કરજણ પોલીસ ચલાવી રહી છે.
યાકુબ પટેલ : કરજણ
કરજણ તાલુકાનાં કોલીયાદ ગામમાં આવેલી તળાવડીમાં એક જ પરિવારનાં ત્રણ કિશોરો ડૂબી જતા ભારે હાહાકાર મચી જવા પામ્યો…
Advertisement