કરજણ એ.પી.એમ.સી. ખાતે કરજણ તાલુકાનાં ખેડૂતો દ્વારા કપાસ વેચવા માટે આવતા એ.પી.એમ.સી. દ્વારા કપાસ ન લેવાતાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. શનિવારનાં રોજ કરજણ એ.પી.એમ.સી. ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂતોએ એ.પી.એમ.સી. વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યો હતો અને એ.પી.એમ.સી. પરિસરમાં કપાસ સળગાવી પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ મીડિયા સમક્ષ નિવેદન આપતા એક ખેડૂતે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કપાસ ખરીદવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. જેમાં કરજણને સેન્ટર આપવામાં આવ્યું છે કરજણની જમીન કાળી હોવાના કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ભેજનું બહાનું આગળ ધરી કપાસ લેવાતો ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
તેમજ અન્ય બહાનાઓ આગળ ધરી કપાસ ન લેવાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્ર સરકાર કપાસ ખરીદવા ખેડૂતોને સહકાર આપે છે ત્યારે એ.પી.એમ.સી. નાં સંબંધિત અધિકારીઓ દલાલોનો કપાસ અડધી રાતે લે છે જ્યારે ખેડૂતોનો કપાસ ધોળા દિવસે લેવાતો નથી એવા પણ ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા. જ્યારે સંબંધીત અધિકારીએ મિડીયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે ૫૫ થી ૬૦ ટ્રેક્ટર કપાસ ખરીદવામાં આવ્યો છે ભેજવાળો કપાસ અમે ખરીદી નથી શકતા એમ તેઓએ જણાવ્યું હતું. વેપારીઓ સાથે અધિકારીઓની મીલીભગત હોવાના આક્ષેપોને પણ રદીયો આપ્યો હતો હવે જોવાનું એ રહ્યું કે એ.પી.એમ.સી. ખાતે ખેડૂતોએ કરેલો હોબાળો કેવો રંગ લાવે છે તે તો આવનાર સમય બતાવશે.
યાકુબ પટેલ : કરજણ