કરજણ – શિનોર – પોર વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કરજણ તાલુકાના માંગલેજ ગામમાં વિજય સંકલ્પ સમેલન યોજાયું હતું. આગામી ત્રીજી નવેમ્બરે યોજાનારી કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ તથા કોંગ્રેસ પેટા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ – ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલુ થતા રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત ગતરોજ મોડી સાંજે માંગલેજ ગામમાં વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું.
સંમેલનના મુખ્ય વક્તા અમિતભાઈ ચાવડાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે વિધાનસભાની પેટા ચૂંટણીમાં લોકો બે મુદ્દા પર મન બનાવીને બેઠા છે. એક કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં જોડાયેલા ગદ્દારોને પાઠ શીખવાડવા અને ભાજપને સબક શીખવાડવા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભાજપની નીતિના વિરોધમાં મતદારોએ મત આપ્યા હતા. અક્ષય પટેલને ૨૦૧૨ અને ૨૦૧૭ માં કોગ્રસે ટિકિટ આપી હતી. રાજ્યસભાની ચૂંટણી આવી ત્યારે અક્ષય પટેલે કરોડોમાં સોદો કરી ભાજપમાં જોડાઈ ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. ૫૨ કરોડથી વધારે ડીલ થઇ હોવાના અક્ષય પટેલ પર આક્ષેપો કર્યા હતા. અક્ષય પટેલે ભાજપમાં જોડાઈને પ્રજા સાથે દ્રોહ કર્યાનો પણ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો.
કરજણની જનતા સબક શીખવાડવા કોંગ્રેસને મત આપશે એમ તેઓએ જણાવ્યું હતું. ગુજરાતમાં ૨૦૧૭ માં યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ વિશ્વાસ રાખી ભાજપને મત આપ્યા હતા. ભાજપે મોટા મોટા વચનો પણ આપ્યા હતા પણ જનતાને કશું મળ્યું નથી એમ તેઓએ જણાવ્યું હતું. અમિતભાઈ ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં શિક્ષણ મોંઘું થયું છે એવા પણ તેઓએ આક્ષેપો કર્યા હતા. કોંગી ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ પણ અક્ષય પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા. સમેલનમાં રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા, સાગર કોકો બ્રહ્મભટ્ટ, કરજણ શહેર પ્રમુખ, પ્રીમલસિંહ રણા, સંદીપસિંહ માંગરોલા, સહિત કોંગી આગેવાનો તેમજ કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.