અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ દેશના ૫૦૮ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટે રવિવારના રોજ એક સાથે ૫૦૮ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ અંતર્ગત કરજણ રેલવે સ્ટેશન ખાતે ઇ શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે અતિથિઓનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ શાળાના છાત્રોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી હાજર જનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ નગરની શાળાઓમાં યોજાયેલી પ્રતિયોગિતાઓમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર પ્રથમ દ્રિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર છાત્રોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પોતાના સંબોધનમાં ભારત સરકાર દ્વારા કરજણ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસના કાર્યોની સરાહના કરી હતી. કરજણ ખાતે જુના બજારથી નવા બજારને જોડતા અંડર પાસ માટે તેઓએ રજુઆત કરી હોવાનું પણ જણાવ્યું હતુ. કરજણ. રેલવે સ્ટેશન ખાતે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે એમ તેઓએ જણાવ્યું હતુ.
ત્યારબાદ દેશના પી એમ નરેન્દ્ર મોદીએ રિમોટ દબાવી રેલવે સ્ટેશનની શિલાન્યાસ વિધિ કરી હતી. તેઓએ જણાવ્યું હતુ કે ભારત સરકાર દ્વારા દેશના રેલવે સ્ટેશનોના આધુનિકરણ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સાથે સાથે રેલવે સ્ટેશનના પુનઃ વિકાસના કાર્યો માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતુ. રેલવે સ્ટેશનો પર મુસાફરોને ઉમદા સુવિધા મળી રહે એ માટે પૂરતા પ્રયાસો કરીશું એમ તેઓએ જણાવ્યું હતુ. દેશના રેલવે સ્ટેશનો હવે વિદેશમાં આવેલા રેલવે સ્ટેશન જેવા આધુનિક બનશે એમ તેઓએ જણાવ્યું હતુ.
આયોજિત કાર્યક્રમમાં વડોદરા ડિવિઝન ડીઆરએમ, પ્રાંત ઓફિસર, ધારાસભ્ય અક્ષય પટેલ, પુર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ પટેલ, તાલુકા ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો સહીત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.