પાલેજ નજીક અાવેલા કરજણ તાલુકાના કલ્લા ખાતે રવિવારના રોજ ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અાયોજિત નવમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમાજમાં વ્પાયેલા કુરીવાજો અને મોંધવારીનાં કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે દિકરા કે દિકરીનાં લગ્ન કરવા મુશ્કેલ બન્યા છે, ત્યારે કલ્લા ગામે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સમુહ લગ્નોત્સવનું સફળ આયોજન કરવામાં આવે છે. અાયોજિત સમુહ લગ્ન સમારોહમાં 80 નવયુગલોએ નિકાહની રસ્મ અદા કરી સાંસારીક જીવનનો પ્રારંભ કર્યો હતો.
આ પ્રસંગે મુબારક ભાઇ પટેલ ,કીરીટ સિહ જાડેજા, સુરતનાં ઉદ્યોગપતિ ફારુકભાઈ પટેલ (કે.પી,) ભરુચનાં અગ્રણી યુનુસભાઈ અમદાવાદી, નિવૃત્ત ડીસ્ટ્રીકટ જજ દૌલતખાન મલિક, કોંગ્રેસના સુલેમાન પટેલ સહિત વ્યવસ્થાપક કમિટી સલાહકાર સમિતિ ફૈજ યંગ સર્કલના ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમૂહ શાદી સમારંભને સફળ બનાવ્યો હતો ઉપસ્થિત મહેમાનોએ નવદંપતીઓને સુખી લગ્ન જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આધ્યાત્મિકતાની સાથે સાથે સુફી સંત મુસ્તાક અલી બાવા સાહેબે સમાજ સુધારણા અને દેશનાં વિકાસ માટે સુશિક્ષિત નાગરીકોની નવી પેઢી તૈયાર કરવા માટે એક અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત આજે યોજાયેલા સમુહ સાદી કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ સમાજનાં અગ્રણીઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કોમી એકતાની મહેક પ્રસરી ઉઠી હતી. આ સમુહ લગ્નોત્સવ સમારોહમાં નિકાહની રસમ અદા કરી સાંસારિક જીવનનો પ્રારંભ કરનાર નવ દંપતીઓને મુંબઈનાં દાતા હારુનભાઈ ચુનાવાલા તરફથી જીવન જરુરી સહીત ધરવખરીનાં સામાન પોતાનાં તરફથી ભેટમાં આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં હજરત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબે દુઅા ગુજારી કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું…


