કપડવંજના આંબલીયાર ખાતે રિસાઇને પિયર ગયેલી પત્ની પરત ન આવતાં, જમાઇએ સસરાની ધારિયાના ઘા મારી કરપીણ હત્યા કરી હતી. આ મામલે શુક્રવારે નડિયાદની સેસન્સ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા અને રૂ.5000 ના દંડનો હુકમ કર્યો હતો.
કપડવંજના આંબલીયાર ખાતે તંથલી ગામે ખોડિયાર માતાના મંદિર પાસે રહેતા દિપસિંહ ઉર્ફે દિપકભાઇ તખતસિંહ પરમાર ગત તા.18મી ઓક્ટોબર, 16 ના રોજ રાત્રિના સમયે કપડવંજના નવા ગામ સીમમાં પોતાની સાસરિમાં ગયો હતો. દિપસિંહે રિસાઇને પિયર જતી રહેલી પત્નીને પરત આવવા સમજાવી હતી અને પોતાના સસરાને પણ દીકરીને સમજાવીને પરત મોકલી આપવા જણાવી, નહીં મોકલો તો રાતના આવી સસરા ભૂપતભાઇની હત્યા કરવાની ધમકી આપી જતો રહ્યો હતો. દિપસિંહ મારઝુડ કરતો હોઇ, તેની પત્ની સંગીતાબેન રિસાઇને પિયર જતી રહી હતી. જોકે દિપસિંહના કહેવા છતાં અને હત્યાની ધમકી છતાં સંગીતાબેન પરત ન જતાં, ઉશ્કેરાયેલો દિપસિંહ સાસરીમાં ગયો હતો. નવા ગામ સીમ ડાયવર્ઝન નજીક ખેતરમાં સૂઇ રહેલા સસરા ભૂપતભાઇ શીવાભાઇ પરમારને માથામાં ધારિયાના ઘા ઝીંકતાં તેઓનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. આ મામલે કપડવંજ પોલીસે દિપસિંહ વિરૂધ્ધ હત્યાનો ગુન નોંધી, તેની અટક કરી હતી.આ મામલો શુક્રવારે નડિયાદના સેસન્સ જજ કે.એસ.ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ઉમેશ એ.ઢગટે રજૂ કરેલ પુરાવાઓ અને દલીલોને ગ્રાહ્ય રાખી, કોર્ટ દ્વારા દિપસિંહ ઉર્ફે દિપક તખતસિંહ પરમારને સસરાની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ.5 હજારના દંડનો હુકમ કર્યો હતો…સૌજન્ય