ગુજરાતમાં વ્યાજખોરોની સામે પોલીસે અભિયાન ચલાવ્યું છે. પરંતુ પોલીસના અભિયાન સામે વ્યાજખોરો બેખૌફ દેખાઈ રહ્યાં છે. વ્યાજખોરીની ચૂંગાલમાં ફસાયેલા કલોલના યુવાને કેનાલમાં પડીને આપઘાત કરી લીધો છે. તેણે આપઘાત પહેલાં લખેલી ચીઠ્ઠીમાં કહ્યું હતું કે મારા પરિવારને હેરાન ન કરતા. પોલીસે આ ઘટનામાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે કલોલના વિનોદભાઈ કાનાજી ઠાકોર ભજિયાની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. વિનોદજી નાની નાની મૂડી લેતાં તેઓ મોટી ચુંગાલમાં ફસાઈ જતાં આખરે તેમણે કેનાલમાં કૂદકો મારી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તેમણે આપઘાત પહેલાં લખેલી ચિઠ્ઠીમાં લખ્યું કે મારા પરિવારને હેરાન ન કરતા. વિનોદભાઈ ઠાકોરનો મૃતદેહ જ્યારે કેનાલમાંથી રિકવર કરવામાં આવ્યો ત્યારે તેમના ખિસ્સામાંથી વ્યાજખોરોનાં નામ તેમજ રકમ સાથેની ચિઠ્ઠી મળી હતી.
વિનોદભાઈએ ચિઠ્ઠીમાં પોતાના ઘરનો મોબાઇલ નંબર પણ લખ્યો હતો અને ચિઠ્ઠી એક પ્લાસ્ટિકની થેલીમાં મૂકી ત્યારબાદ તેમણે કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જેથી કરીને ખિસ્સામાં રાખેલી ચિઠ્ઠી પલળી ન જાય એ ગણતરીથી વિનોદે ચિઠ્ઠીને પ્લાસ્ટિકની કોથળીની અંદર રાખી દીધી હતી. તેમની લાશ કડી વિસ્તારની કેનાલમાંથી મળતાં કડી પોલીસે એ બાબતનો ગુનો નોંધી આગળથી કાર્યવાહી હાથ ધરી છે.