( દિનેશ અડવાણી ભરૂચ )
પ્રતિબંધિત એવા ખેરના લાકડા સાથે ટ્રકને ઝડપી લેતુ વન વિભાગ
ખુબજ કિંમત અને પ્રતિબંધિત એવા ખેરના લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડવામા વન વિભાગને સફળતા પ્રાપ્ત થઈ છે. આ અંગે વિગતે જોતા વન સંરક્ષક સુરત તેમજ ભરૂચ ને પ્રાપ્ત થયેલ બાતમીના આધારે ડેડીયાપાડાથી વાલીયા રોડ ઉપર પેટ્રોલીંગ તથા નાકાબંધી કરવામા આવી હતી. તેમા આજે વહેલી સવારે ડેડીયાપાડા રોડ પરથી નેત્રંગના રસ્તા ઉપર ટ્રક નં જીજે-૧૨-વી-૯૪૧૦ નો પીછો કરતા નેત્રંગ વાલીયા રોડ ઉપર અગાઉ થી જ નાકાબંધી હોવાથી ટ્રક ડ્રાઈવર એક તબ્બ્કે ગભરાઈ ગયો હતો. ટ્રકને અટકાવી ડ્રાઈવર ની સઘન પુછપરછ કરતા ડ્રાઈવર પાસે થી લાકડાવહન કરવાની કોઈ પણ જાતની પરવાનગી ન હતી. ખેરનુ લાકડુ તાડપત્રી ઢાકીને લઈ જવાનો કારસો ધડવામા આવ્યો હતો. છાલ સાથે ખેરના લાકડાનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક સમેત ડ્રાઈવર ને નેત્રંગ ડેપોમા લઈ ગયેલ અને ત્યા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. વન ખાતા ધ્વારા ઝડપી પાડેલ ખેરના લાકડાની ગણતરી કરતા લાકડાની કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર અને ટ્રકની કિંમત રૂપિયા બે લાખ મળી કુલ ત્રણ લાખ પચાસ હજાર નો મુદ્દામાલ જપ્ત કરી ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ની ૨૬-૧-એફ, ૪૧-૨-બી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ મળતી માહિતી અનુસાર સરકાર તથા વન વિભાગ ધ્વારા છેલ્લા ત્રણ માસથી ખેરના લાકડાની તસ્કરી તથા તેનુ બિન કાયદેસર વેંચાણ અંગે વન વિભાગ ખાતા ધ્વારા લાલ આંખ કરવામા આવી છે. સામાન્ય રીતે ખેરના લાકડાની તસ્કરી કરનારાઓ રાત્રીના સમયે વધુ સક્રીય હોય છે. એ અંગે છેલ્લા બે વર્ષ મા નેત્રંગ ડેડીયાપાડા વગેરે વિસ્તારમાથી વનખાતાને પ્રતિબંધિત ખેરનુ લાકડું ઝડપી પાડવામા સફળતા પ્રાપ્ત થતા વન માફીયાઓમા ફફડાટ ફેલાઈ ગયો છે.