જૂનાગઢઃ વેરાવળ તાલુકાનું એક એવું ગામ જ્યાં એક પણ મુસ્લિમ પરિવાર નથી. સમગ્ર હિન્દુ પરિવાર ધરાવતું આ સોનારીયા ગામની બાજુમાં વાડી વિસ્તારમાં અતિ પ્રાચિન ગેબનશા પીરની દરગાહ આવેલી છે. બ્રિટીશ શાસનથી સમગ્ર ગ્રામજનો દ્વારા દર ત્રીજા વર્ષે ધામધુમથી ગેબનશા પીરને ચાદર ચઢાવવામાં આવે છે. ગામમાં વર્ષાથી કોઇ મુસ્લિમ પરિવાર નથી છતાં ગામમાં વસતા હિન્દુ લોકોએ વર્ષો જૂની પરંપરા જાળવી રાખી ગેબનશા પીરને ચાદર ચઢાવી કોમી એખલાસનાં દર્શન કરાવે છે. બાદમાં એક સાથે ભોજન લઇ છુટા પડે છે. ગત શુક્રવારનાં રોજ મહોર્રમ નિમિતે ગામના લોકોએ ધામધુમથી ધાર્મિક વિધી સાથે પીરને ચાદર ચઢાવવામાં આવી હતી.
ગ્રામજનો ચમત્કાર માની દર ત્રીજા વર્ષે પીરને ચાદર ચઢાવે છે
આ દરમિયાન મોટી સંખ્યામાં હિન્દુ લોકો જોડાયા હતાં. ગામના લોકોનાં જણાવ્યાં પ્રમાણે આ જગ્યાએ જૂનુ ગામ હતું. પરંતું આ જગ્યામાં વારંવાર રંજાળ અને કુદરતી આફતો આવતી હતી. ત્યારે આ ગેબનશા પીર દ્વારા ગામને અહિંથી એક કિલોમીટર દુર વસાવવા જણાવ્યું. ત્યારે તે સમયના વડીલોએ પીરની ચમત્કારીક વાતને માન્ય રાખી લોકો આ જગ્યાથી દુર વસવાટ કરવા લાગ્યાં. ત્યારથી આ ગામમાં સુખ- શાંતિ આવી છે. અને ગામનાં લોકો હળીમળીને રહેવા લાગ્યાં છે. આ વાતને ગ્રામજનો ચમત્કાર માની દર ત્રીજા વર્ષે પીરને ચાદર ચઢાવી ધામધુમ પૂર્વક ઉત્સવ મનાવાય છે. અને બાદમાં પ્રસાદ લઇ છુટા પડે છે…સૌજન્ય D.B