જુનાગઢ પોલીસ દ્વારા એમ.ડી. ડ્રગ ઝડપી પાડવામાં આવ્યુ છે. શહેરના ઝાંઝરડા રોડ બાયપાસ નજીકથી 17.01 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે પોલીસે રૂ. 1,71,000 કિંમતનું ડ્રગ્સ, કાર, મોબાઈલ સહિત કુલ રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે ત્રણ ઇસમોની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ હર્ષ અરોરા, મંથન વ્યાસ અને નીરજ વાઘેલા તરીકે થઈ છે. આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ કલમ 8 (સી) મુજબ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી પાસે બેલના પીઠા પાસે ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા બે અને રિસીવ કરવા આવનાર મળી કુલ ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓ પાસેથી રૂ. 1.71 લાખની કિંમતનો 17.01 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે. જુનાગઢના બે શખ્સો ઝાંઝરડા ચોકડી પાસે આવેલા બેલાના પીઠા પાસે એક શખ્સને રાત્રિના સમયે ડ્રગ્સની ડિલિવરી આપવા આવવાના હોય તેવી બાતમી એ.એસ.આઇ. મહેન્દ્ર કુવાડિયા અને હેડ કોસ્ટેબલ અનિરુદ્ધ ચાપરાજભાઈ વાઘને મળી હતી. આથી તેઓએ એસપી હર્ષદ મહેતાને જાણ કરતા તેમની સૂચનાથી પંચને સાથે રાખી એસોજીના પીઆઇ એ.એમ. ગોહિલ વગેરે દ્વારા વોચ ગોઠવી પોલીસની એક ટીમ બેલાના ટ્રકો પાસે અંધારામાં છુપાઈ ગઈ હતી.
દરમિયાન એક શખ્સે બેલાના પીઠા પાસે ઊભા રહી કોઈને ફોન કર્યો હતો. આથી થોડી જ વારમાં ધોરાજી બાયપાસ તરફથી એક કાર આવી અને ઊભી રહી હતી. તેમાંથી એક શખ્સે કારનો દરવાજો ખોલીને કોઈ વસ્તુ ત્યાં ઊભેલા શખ્સને આપી હતી. તેણે એ વસ્તુ લઈ ખિસ્સામાં રાખી હતી, એ જ વખતે જ પોલીસના માણસો ઈશારો થતા જ આવી પહોંચ્યા હતા અને કારને કોડન કરી ચાવી કાઢી લીધી હતી, જેમાં તેઓ પાસેથી રૂપિયા 1.71 લાખની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સના 16 પેકેટ મળી આવતા 17.01 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીની પુછપરછમાં તેમની ઓળખ હર્ષ અરોરા, મંથન વ્યાસ અને નીરજ વાઘેલા તરીકે થઈ છે. જ્યારે આ કાર્યવાહીમાં પોલીસે ડ્રગ્સ, મોબાઇલ ફોન, કાર અને રોકડ મળી કુલ રૂ. 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.