જૂનાગઢમાં દાતાર રોડ પર જર્જરિત ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું જેમાં બે પુત્રો અને પતિ ગુમાવનારી મહિલાએ એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેમનું મોત થયું છે.
જૂનાગઢમાં બે દિવસ પહેલા દાતાર રોડ પર મકાન પડતા યુવાન અને તેના બંને પુત્રોના મોત થયા હતા. પરિવારમાં માત્ર એક મહિલા જ બચી ગયા હતા. મૃતક યુવાનના પત્નીએ એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યા તેમનું મોત નિપજ્યું છે. મૃતક મહિલાનું નામ મયુરીબેન જાણવા મળ્યુ હતું. આ બનાવ બનવા પાછળ મનપાના કમિશનર અને ટાઉન પ્લાનીંગ ઓફિસર જવાબદાર હોવાથી મૃતક યુવાનના પરિવાર તથા સમાજના લોકોએ આ બંને અધિકારી સામે ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી.
જૂનાગઢમાં બે દિવસ પહેલા દાતાર રોડ પર જર્જરિત ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. આ સમયે ત્યાં રિક્ષામાં બેસેલા પંચેશ્વર વિસ્તારમાં રહેતા સંજયભાઈ ડાભી તથા તેના બે પુત્રો મકાનના કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. જયારે શાકભાજી લેવા ગયેલા સંજયભાઈના પત્નીનો બચાવ થયો હતો. આ ઘટના બાદ ત્રણેય પિતા-પુત્રોનો કલાકોની જહેમત બાદ મૃતદેહ મળતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બે માસુમ સંતાનો અને પતિના મોતથી મયુરીબેન શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ગઈકાલે સાંજે પતિ અને બે માસુમ સંતાનોના વિયોગમાં મયુરીબેને એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. ત્યાંથી તેઓને રાજકોટ રિફર કરવા અભિપ્રાય આપતા રાજકોટ લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આજે તેમનું પણ મોત થતા પરિવારનો માળો વિખાઈ ગયો હતો. આ ઘટનાને લઇને મુખ્યમંત્રીએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી હતી.