જૂનાગઢમાં ગઈકાલે રાત્રે એક દરગાહના દબાણને લઈને ભારે હોબાળો થયો હતો. ગેરકાયદેસર દરગાહના બાંધકામને લઈને વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ બાદ કેટલાક લોક રોષે ભરાયા હતા અને પોલીસકર્મીઓને જ નિશાન બનાવ્યા હતા. આ હિંસામાં પોલીસે 174 લોકોની અટકાયત કરી છે જ્યારે આ હિંસામાં એક વ્યક્તિનું મોત થયું છે.
જૂનાગઢમાં ગઈકાલે ગેરકાયદેસર દરગાહના બાંધકામની નોટિસને લઈને રાત્રે 300 લોકોના ટોળાએ પોલીસ ચોકી પર પથ્થરમારો કર્યો અને બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી. આ હુમલામાં ડીએસપી સહિત ચાર પોલીસકર્મી ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યુ હતું. હિંસા બાદ એક્શનમાં આવી ગયેલી પોલીસે લગભગ 175 લોકોની અટકાયત કરી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ છે, પરંતુ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે.
જૂનાગઢમાં મજેવડી દરવાજાની પાસે રસ્તાની વચ્ચે એક ગેરકાયદેસર દરગાહના દબાણને દૂર કરવા માટે મહાનગરપાલિકા વતી સિનિયર ટાઉન પ્લાનર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસમાં લખવામાં આવ્યું હતું કે આ દરગાહ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. પાંચ દિવસમાં આ દરગાહના બાંધકામની માન્યતાના પુરાવા રજૂ કરવા જોશે નહીં તો આ દરગાહને તોડી પાડવામાં આવશે. દરગાહને તોડી પાડવાની નોટિસ મુકવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા. નોટિસ વાંચતા જ અસામાજિક તત્વો એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓ પથ્થરમારો શરુ કર્યો હતો અને સરકારી વાહનોમાં આગચંપી કરી હતી. જેના કારણે તંગદીલીનું વાતાવરણ જોવા મળ્યુ હતુ. આ દરમિયાન પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે પોલીસ દ્વારા લાઠીચાર્જ શરૂ કરવામાં આવતા અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો ભેગા થઈ જતા ટોળુ વિખેરાઈ ગયું હતું. ટોળાઓ દ્વારા પોલીસ વાહન પર પથ્થરમારો કરતાં પોલીસે ટોળું વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી કરતા 175 લોકોની અટકાયત કરી છે અને આ હિંસામાં એક વ્યક્તિનું મોત થયું છે.