શ્રાવણ મહિના ચાલી રહ્યો છે. આ મહિનામાં લોકો જુગાર રમતા પણ ઝડપાય છે. ત્યારે જુનાગઢ વોર્ડ નં-4ના ભાજપના કોર્પોરેટર જુગારના ગુનામાં ઝડપાયા છે. કોર્પોરેટર ધર્મેશભાઈ ઉર્ફે લાલો ધીરૂભાઈ પોશીયા સહિત 8 વ્યક્તિઓ જુગારના ગુનામાં ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. ત્યારે કોર્પોરેટરના ભોગવટાના ખેતરમાં આવેલા મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હતું. પોલીસે રોકડા રૂપિયા, મોબાઇલ, વાહનો સહિત 2.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જુનાગઢ પોલીસ દ્વારા શ્રાવણ માસ નિમિતે જુગાર ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ શબીરખાન બેલીમને જુગારધામ અંગે ખાનગી બાતમી મળી હતી. પોલીસે આ બાતમીના આધારે જોષીપરા ખલીલપૂર રોડ ઉપર મધુવન ફાર્મની પાછળના ભાગે આવેલા મકાનમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કુલ 8 વ્યક્તિ જુગારના ગુનામાં ઝડપાયા છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર ભાજપના કોર્પોરેટરે જુગાર રમવા માટે વાડીમાં જગ્યા આપી હતી. તેમની જગ્યા પર અન્ય લોકો જુગાર રમી રહ્યાં હતા. આ માટે પોલીસે કોર્પોરેટર સહિત 8 લોકોને ઝડપ્યા છે. જેમાં એક ભાજપના કોર્પોરેટર પણ સામેલ છે. પોલીસે હાલ જુગારની કલમ 4,5 મુજબ ગુનો દાખલ કર્યો છે.