જૂનાગઢમાં અસામાજીત તત્વોનાં ત્રાસથી વેપારીઓ રસ્તા પર ઉતરી આવતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. જેને પગલે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી મામલો થાળે પાડ્યો હતો.
જૂનાગઢના કાડિયાવાડ વિસ્તારમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. અસમાજિક તત્વો દ્વારા વેપારીઓની દુકાનમાં આવી સામાનની ખરીદી કરી તેના પૈસા પણ ચૂકવતા નથી. જો કોઈ વેપારી પૈસા માંગે તો છરી જેવા તિક્ષણ હથિયાર બતાવીને વેપારીઓને ધમકાવવામં આવે છે.
ત્યારે આ મામલે શુક્રવારે વેપારી એસોસિએશન દ્વારા દુકાનો બંધ કરી હડતાળ પર ઉતરી આવ્યા હતા તેમજ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જૂનાગઢ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ સ્થળ પર પહોંચી ગયા હતા અને વેપારીઓને આ અંગે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો.