વહેલી સવારના સમયે કમ્પાઉન્ડના મરઘા કેન્દ્રમાં ભરાયો
વડોદરાની ટીમે રેસ્ક્યુ કરી ઝડપી પાડ્યો
ઝઘડીયા તા ૨૭
ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાના રહેઠાણ માલજીપુરા ગામેથી આજે એક માદા દીપડો પકડાયો હતો. ધારાસભ્યના રહેઠાણના કમ્પાઉન્ડમાં મરઘા ઉછેર કેન્દ્ર હતુ. જ્યાં શિકાર કરવાના ઇરાદે વહેલી સવારના સમયે માદા દીપડો ઘુસ્યો હતો.આખરે વડોદરાથી વાઈલ્ડ લાઈફ એનિમલની ટીમે પાંચ કલાક રેસ્ક્યુ ઓપરેશન કરી સાડા ત્રણ ફુટના માદા દીપડાને ઝડપી પાડ્યો હતો.
ઝઘડીયા વાલિયા મત વિસ્તારના ધારાસભ્ય છોટુ વસાવા માલજીપુરા ખાતે તેમની નિવાસ સથાને રહે છે. જ્યાં મોટી આંબા, ચીકુ સાથે વિવિધ ફળોની વાડી બનાવવામાં આવી છે. જ્યા મરઘા ઉછેર કેન્દ્ર પણ ઉછેરવામાં આવ્યું છે. આજે વહેલી સવારના સમયે એક માદા દીપડો મરઘાના શિકાર અર્થે ધારાસભ્યના કંમ્પાઉન્ડમાં ઘુસ્યો હતો.
બનાવ સંદર્ભે જાણ થતા ઝઘડીયા જંગલ ખાતાની ટીમને જાણ કરવામાં આવી હતી જ્યારે હિંસક પ્રાણીને ઝડપી પાડવા માટે ઝઘડીયા જંગલ ખાતા દ્વારા વડોદરાની વાઈલ્ડ લાઈફ એનિમલ ટીમની મદદ લેવામાં આવી હતી વડોદરાની વાઈલ્ડ લાઈફ એનિમલ ટીમે પાંચ કલાકના ખાસ ઓપરેશન દરમિયાન માદા દીપડાને ઝડપી પાડ્યો હતો
વાઈલ્ડ લાઈફ એનિમલ ટીમે દીપડાને ઝડપી પાડવા માટે એક ખાસ પિસ્તોલ ઇન્જેક્શન ભરી દીપડાને નિશાન કરી તેને બેભાન કરવામાં આવ્યો હતો. દીપડાને બેભાન કર્યા બાદ તેના નિરિક્ષણમાં તેની ઉંમર દોઢ વર્ષની હોવાનું બહાર આવ્યું હતુ.જ્યારે તેની લંબાઈ અંદાજીત સાડા ત્રણ ફુટ તેમજ તે માદા દીપડો હોવાનું જણાય આવ્યું હતું.
વડોદરાની વાઈલ્ડ લાઈફ એનિમલ ટીમે જંગલખાતા ઝઘડીયાએ માદા દીપડાને ઝડપી તેને પાંજરામાં પુરી મોરીયાણા ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેની યોગ્ય સારવાર બાદ તેને પુન: સુરક્ષિત રીતે જંગલમાં છોડવામાં આવશે.