જામનગરના ધ્રોલ તાલુકાના જોડીયા રોડ પર આવેલા રાધે પાર્કમાં રહેણાંક મકાનનું તાળું તોડી તસ્કરોએ 1.20 લાખની માતબર રોકડ સાથે સોના-ચાંદીના દાગીના, પાડોશીનું બાઇક અને અન્ય મકાનમાંથી સિંગતેલના ડબ્બા મળી કુલ રૂ.1.84 લાખની મતાની ચોરી કરી હતી. આ અંગે સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ આદરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ધ્રોલના રાધે પાર્કમાં બે માળના રહેણાંક મકાનના માલિક ઉપરના માળે સૂતા હતા. દરમિયાન મોડી રાતે તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનનું તાળું તોડી રોકડ રકમ સાથે સોના-ચાંદીનાં દાગીના અને પાડોશીનું બાઇક મળી કુલ રૂ.1.84 લાખની મતાની ચોરી કરી ગયા હતા. આ અંગે મકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મકાન માલિકની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મકાન માલિકની ફરિયાદ મુજબ, તસ્કરો ઘરમાંથી રૂ. 1 લાખની રોકડ રકમ ઉપરાંત સોનાની ચેઇન, જૂની ત્રણ વિંટી, બંગડી અને કડીની જોડી, ચાંદીના સાંકળા, કંદોરો, સહિત રૂ.67,500ના સોના-ચાંદીના દાગીના અને ઘરવખરી કુલ મળી રૂ.1,69,500ની મતા ચોરી કરી ગયા હતા અને આ સાથે તસ્કર ટોળકીએ પાડોશીનું રૂ.15 હજારની કિંમતનું બાઇક પણ ચોરી ગયા હતા. ઉપરાંત તસ્કર ટોળકીએ અન્ય મકાનમાંથી સિંગતેલના ડબ્બાની ચોરી અને બીજા એક મકાનના પણ તાળા તોડયાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસે ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા બુકાનીધારી તસ્કર ટોળકીના અમુક શખસો દેખાયા હતા .