પોતાના જ પતિ દ્વારા પ્રતાડિત એક મહિલા અડધી રાત્રે જામનગરના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મદદની આશાએ પહોંચે છે અને જણાવે છે કે તેનું દોઢ વર્ષનું બાળક તેના પતિએ છીનવી લીધું છે.તેનો પતિ દારૂનો વ્યસની છે અને અવારનવાર તેની સાથે ઝઘડા કરી મારકુટ કરે છે અને શારીરિક તથા માનસિક ત્રાસ આપે છે.થોડા દિવસ અગાઉ મને મારા પતિએ માર મારી ઘરમાંથી કાઢી મૂકી અને મારૂં દોઢ વર્ષનું બાળક મારી પાસેથી છીનવી લીધું છે.
મહિલાની આપવિતી સાંભળી સેન્ટરના કેન્દ્ર સંચાલિકા હેતલબેને મહિલાના પતિ સાથે ટેલીફોન વાતચીત શરૂ કરી અને તેને સેન્ટર પર હાજર થવા જણાવ્યું પરંતુ તે સેન્ટર પર આવવા તૈયાર ન હતો કે બાળકને પણ પરત આપવા તૈયાર ન હતો.આ વ્યક્તિ દારૂનો વ્યસની હોય જેથી તે બાળકની કાળજી લેવા સક્ષમ નથી તેમજ બાળકની સુરક્ષા સહિતની બાબતોને ધ્યાને લઈ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મીઓ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ વડે તુરંત જ મહિલાના ઘરે પહોંચ્યા હતા અને પતિ પાસેથી બાળક પરત મેળવી તેની માતાને સોંપ્યુ હતું. પોતાનું વ્હાલસોયુ બાળક પરત મળતા મહિલાએ વન સ્ટોપ સેન્ટર તથા અભય મહિલા હેલ્પલાઇનની ટીમનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.
દારૂના વ્યસની પતિએ છીનવી લીધેલા દોઢ વર્ષના બાળકનું માતા સાથે પુન:મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર જામનગર
Advertisement