જામનગરમાં સતત છેલ્લા 17 વર્ષથી શ્રી નવતનપુરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવે છે જે નિમિત્તે આજે શ્રીકૃષ્ણજીને વિશિષ્ટ રથમાં બેસાડી સમગ્ર શહેરમાં શ્રીકૃષ્ણજીની પાલખીનું પરિભ્રમણ યોજાયું હતું.
જામનગરમાં આજે શ્રી નવતનપુરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા પારંપરિક શોભાયાત્રા યોજાઈ હતી આ શોભાયાત્રામાં દેવી-દેવતાઓની વેશભૂષા સહિતના 25 જેટલા ચલિત ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, ભગવાન શ્રીકૃષ્ણજીને તેમના જન્મોત્સવ નિમિત્તે વિશિષ્ટ રથમાં બિરાજીત કરાયા હતા. આ શોભાયાત્રા જામનગરના ખીજડા મંદિર હવાઈ ચોક ખાતેથી સવારે શરૂ થઈ હતી, શહેરના રાજમાર્ગો પર શ્રીકૃષ્ણજીએ વિશિષ્ટ રથમાં બિરાજિત થઈ નગરચર્યા કરી હતી, ઉપરાંત 12 સ્થળોએ શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ અને સ્વાગતના કાર્યક્રમો યોજાયા હતા, આ સાથે જ શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયના ધર્મચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ, સ્વામી લક્ષ્મણ દેવજી મહારાજ એ પણ શોભાયાત્રાની સાથે પગપાળા નગર ભ્રમણ કર્યું હતું.
શ્રી કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રામાં સૌ નગરજનો ઉત્સવપૂર્વક જોડાયા હતા , શહેરના રાજમાર્ગો પર સાફ-સફાઈ ડી.ડી.ટી. પાવડરનું ડસ્ટિંગ પણ તંત્ર દ્વારા કરાયું હતું, ઠેક-ઠેકાણે ઉત્સવ પૂર્વક વિવિધ જ્ઞાતિ, મંડળો દ્વારા શોભાયાત્રાનું હારતોરા કરી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માલધારી સમાજના બહેનો દ્વારા પરંપરાગત પોશાક પહેરી હુડો નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, તો જામનગરના વિઝન ક્લબ દ્વારા આકર્ષક રંગોળી બનાવી શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું.
જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે શ્રી નવતનપુરી ધામ દ્વારા સાર્વજનિક શોભાયાત્રા યોજાઈ
Advertisement