જામનગરના લાખોટા તળાવ ખાતે મેરી મીટ્ટી મેરા દેશના કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર અને સાંસદ વચ્ચે બોલાચાલી થઇ હોવાની ઘટના સામે આવી છે. ધારાસભ્ય રિવાબા જાડેજાએ શહેરના મેયરને કહ્યું કે, ઓકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ન બનતા, આની પાછળ તમે છો. આ રકઝક થતાં જ જામનગર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર બોલાચાલીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મારી માટી મારો દેશનો કાર્યક્રમ શહેરના લાખોટા તળાવ ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ સમયે ભાજપમાં અંદરો અંદર જ્વાળામુખી સ્વરૂપે ચીંગારી જાગી હતી. જામનગરના સાંસદ અને ધારાસભ્ય રિવાબા જાડેજા વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. જાહેર કાર્યક્રમમાં જ ધારાસભ્યએ મેયર અને સાંસદને ખખડાવતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે જાહેરમાં રકઝક થતાં શહેર પ્રમુખ અને નેતાઓ મામલો થાળે પાડવા વચ્ચે પડ્યા હતા.
જોકે, કઈ બાબતે ધારાસભ્ય અને મેયર વચ્ચે બોલાચાલી થઈ તે હજુ સુધી સામે આવ્યું નથી. આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો. ધારાસભ્ય રિવાબાએ પૂનમ માડમને કહ્યું હતું કે, ‘સળગાવવાવાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો’. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ધારાસભ્ય રિવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાના પ્રત્યાઘાત ગાંધીનગર અને દિલ્હી સુધી પડ્યાં છે.