જામનગરમાં છેલ્લા છ દાયકાથી ભોય સમાજ દ્વારા ભવ્ય હોલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કોરોનાની ગાઈડલાઈન અનુસાર ભોય સમાજના યુવક મંડળ દ્વારા હોલિકા ઉત્સવ ઉજવવામાં આવનાર છે.
ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, વિભિન્ન તહેવારોની ઉજવણી અહીં કરવામાં આવે છે. હોળીનો તહેવાર પણ આપણે પરંપરાગત રીતે ઉજવીએ છીએ. રાજસ્થાન, મુંબઈ, ગુજરાત સહિતના લોકો હર્ષભેર હોલિકા દહન કરી બીજા દિવસે ધુળેટી પર્વ એકબીજાને ગુલાલ લગાવી હોળીની શુભેચ્છા પાઠવે છે પરંતુ અહીં આપણે વાત કરીશું ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્રનાં જામનગરની અનોખી ઉજવાતી હોલિકા દહનની જે જામનગરમાં ખાસ રીતે મનાવવામાં આવે છે.
જામનગરનાં ભોય સમાજ દ્વારા છેલ્લા છ દાયકાથી પરંપરાગત રીતે હોલિકાની પૂજા અર્ચના કરી હોલિકા દહન કરવામાં આવે છે. અહીં ભોય સમાજના યુવક મંડળ દ્વારા હોલિકાની 20 થી 25 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવે છે અને દંત કથા અનુસાર ભક્ત પ્રહલાદને માતા હોલીકાનાં ખોળામાંથી ઝીલી લઈ પ્રહલાદનો બચાવ કરવામાં આવે છે જે દ્રશ્ય જોવા માટે જામનગરમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે પરંતુ આ વર્ષે કોરોનાની ગાઈડલાઈન મુજબ અહીં સીમિત સંખ્યામાં આ હોલિકા દહન કરવામાં આવનાર છે.
હોલિકાની 26 ફુટ ઊંચી પ્રતિમાને ઘાસ, કંતાનથી બનાવી વિવિધ પ્રકારનાં આભૂષણોથી સુંદર રીતે સજાવવામાં આવે છે. હોલિકાની પ્રતિમાની બનાવટ ભોય સમાજના યુવક મંડળનાં 20 થી 30 યુવકો દ્વારા અંદાજીત ૩૦ દિવસના સમયગાળામાં બનાવવામાં આવે છે. આ વર્ષે પણ ભોય સમાજ દ્વારા હોલિકા દહનની ઉજવણી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માટે 20 થી 25 ફૂટ ઉંચી પ્રતિમા બનાવાઇ છે જેને સુંદર રીતે ૩૦ હજારના દાગીના અને અંદાજિત એક થી દોઢ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. હોલિકા દહન પરંપરાગત રીતે હોલિકાના પૂતળાની શોભાયાત્રા નીકળે છે ત્યારબાદ સંપૂર્ણ વિધિ-વિધાન પૂર્વક પૂજા અર્ચના કરાય છે તેમજ મુહૂર્ત મુજબ હોલિકા દહન કરવામાં આવે છે.
આ વર્ષે વૈશ્વિક કોરોના મહામારીના કારણે સીમિત સંખ્યામાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે તેવું ભોય સમાજના આગેવાનોએ જણાવ્યું છે.