બિપરજોય વાવાઝોડા સંદર્ભે સાવચેતી અને સલામતીના પૂર્વ ઉપાયોના ભાગરૂપે લેવાના થતા જરૂરી પગલાઓ તેમજ આયોજન માટે જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યના સેટલમેન્ટ કમિશ્નર અને લેન્ડ રેકર્ડ નિયામક મુકેશ પંડ્યા, જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સહિતના ઉચ્ચ અધિકારીઓએ તાલુકાવાર નિમણૂક થયેલ લાઇઝન અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ બાબતોની સમીક્ષા કરી હતી.
બેઠકમાં કલેકટરએ જોડિયા, જામનગર ગ્રામ્ય, તથા લાલપુર તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં દરિયાથી નજીક વસવાટ કરતા હોય એવા કાચા મકાનોમાં રહેતા લોકો માટે આશ્રય સ્થાન સુનિશ્ચિત કરવા, દરિયાકાંઠાના ગામોને જરૂરી સુચનાઓ આપી એલર્ટ કરવા, રાહત અને બચાવ કામગીરી માટેની તૈયારીઓ હાથ ધરવી, મેડિકલ ટીમ તથા જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવો, એમ્બ્યુલન્સ સહિતના વાહનો તૈયાર રાખવા, આરોગ્ય કેન્દ્રોમાં જનરેટર સહિતની વ્યવસ્થા ઊભી કરવી, નબળા પુલ-નાળા-કોઝવે પર લોકોની અવરજવર અટકાવવી, તરવૈયા-આપદા મિત્રો સહિતની ટીમો બનાવવી, તાલુકા વાર સર્વે ટીમો તૈયાર કરવી, હોર્ડિંગ્સ તથા ભયજનક વૃક્ષો દૂર કરવા, દરિયાકાંઠા વિસ્તારના સગર્ભા સ્ત્રીઓને સલામત સ્થળે ખસેડવા વગેરે બાબતે લગત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી તમામ બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.તેમજ જિલ્લામાં ઓછામાં ઓછું જાન માલનું નુકસાન થાય તે માટે લેવાના થતાં પગલાંઓ વિશે ઉપસ્થિત સૌ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકમાં અધિક કલેક્ટર બી.એન.ખેર, પ્રાંત અધિકારી લાલપુર તથા ધ્રોલ, નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી, વિભાગીય નિયામક એસ.ટી., જિલ્લા આરોગ્ય અધિકારી, હોમગાર્ડ કમાન્ડન્ટ, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત, ગ્રામ્ય તથા શહેર મામલતદાર, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી, પી.જી.વી.સી.એલ., બી.એસ.એન.એલ., સહિતના વિભાગોના અધિકારીઓ જોડાયાં હતા.