જામનગરના સોહમનગરમાં એક મકાનમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી બે મહિલા, બે પુરૂષ તથા કિશોરને પકડી પાડયા છે. રોકડ, મોબાઈલ મળી રૂપિયા સવા લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. જ્યારે માતૃઆશિષ સોસાયટીમાંથી પણ એક મહિલા સહિત ચાર ગંજીપાનાથી જુગાર રમતા ઝડપાઈ ગયા છે. જ્યારે બે સ્થળેથી વર્લીનાં આંકડા લખતા પકડાયા છે અને બે શખ્સો ને એકીબેકીનો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે.
જામનગરના ગોકુલનગર નજીક આવેલા સોહમનગરમાં ગઈરાત્રે રસીલાબેન રાજુભાઈનાં મકાનમાં જુગાર રમતો હોવાની બાતમીનાં આધારે ગઈરાત્રે પોલીસે દરોડો પાડયો હતો. અને જુગાર રમી રહેલા રસીલાબેન રાજુભાઈ, કાજલબેન સુખદેવભાઈ તંબોલીયા, વિજય દિલીપભાઈ રાઠોડ, અજય રમેશભાઈ વાઘેલા અને એક કિશોરને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ.૯૨૧૩૦ રોકડા, મોબાઈલ મળી કુલ રૂા.૧૨,૧૩૦નો મુદ્દામાલ કબજે કર્યોે છે. તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે. જયારે જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલી માતૃ આશિષ સોસાયટીની શેરી નં.રમાં ગઈકાલે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ગંગારામ રૂઝુમલ તન્ના, કિરીટસિંહ ભીખુભા જાડેજા, નંદલાલ રેલુમલ વઢવાઈ, ઈશ્વરીબેન સુરેશભાઈ ટેકાણી નામના ચાર વ્યક્તિને પોલીસે દરોડો પાડી પકડી પાડયા હતા. અને રૂ.૪૬૦૦ રોકડા કબજે કરાયા છે.
જામનગરના પ્રદર્શન મેદાન પાસે રિક્ષા સ્ટેન્ડ નજીક ગઈકાલે સવારે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમી રહેલા હબીબ મહંમદ સમા, રવજી નારણભાઈ વાઘોરા નામના બે રિક્ષા ડ્રાઈવરને પોલીસે પકડી પાડી રૂ.૧૦૫૦ રોકડા કબજે કર્યા છે. લાલપુરના એસટી બસ સ્ટેન્ડ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા સંજય સોમાભાઈ વીસોદીયા નામના શખ્સને પોલીસે પકડી પાડી આંકડા લખેલી ચિઠ્ઠી તથા રોકડ ઝબ્બે લીધા છે. આ ઉપરાંત લાલપુરના ધરારનગર પાસેથી જયસુખ પાલાભાઈ ખરા નામનો શખ્સ વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તથા રોકડ સાથે પકડાઈ ગયો છે.