જંબુસર તાલુકામાં એક પશુ ચિકિત્સા અધિકારી અને છ જગ્યાઓ પશુધનનિરિક્ષકોની લાંબા સમયથી વણપુરાયેલી :- પશુપાલકો ચિંતિત !
જંબુસર તાલુકામાં અબોલ પશુઓની દેખભાળ – સારવાર માટે અત્યંત આવશ્યક એવા પશુચિકિત્સકો અને પશુધન નિરિક્ષકોની વર્ષોથી ખાલી જગ્યા રહેતી હોવાની બૂમ જારી રહેવા પામી છે. તાલુકામાં પશુચિકિત્સા અધિકારી વર્ગ – 2 અને નિરીક્ષક વર્ગ – 3 ની મળી કુલ સાત જગ્યાઓ ખાલી છે. રાજયમાં પશુપાલનનો વ્યવસાય મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં અને માલધારીઓ કરતાં હોય છે. અને ગામડાઓમાં પશુઓ માંદા પડે કે તેમની દેખભાળ માટે પશુ દવાખાને જવાય તો ત્યાં ચિકિત્સક જ ન હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. જંબુસર તાલુકાનાં કાવીયોએ , સારોદ, કહાનવા, અણખી, કલક અને ઉચ્છદ ગામે ધનિષ્ઠ પશુધનનિરીક્ષકની જગ્યાઓ ખાલી છે. જ્યારે પીલુદરા ખાતે પશુચિકિત્સક અધિકારીની એક જગ્યા ખાલી છે. તો સત્વરે સરકાર દ્વારા ઉપરોક્ત જગ્યાઓ ભરાય એવી પશુપાલકોની માંગ ઉઠવા પામી છે. વિધાનસભાના બજેટ સત્રમાં વિપક્ષ કોંગ્રેસનાં ધારાસ્ભ્યોએ જિલ્લાઓમાં ચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષક વર્ગની ખાલી જગ્યાઓ ભરાતી ન હોય તે અંગેની ચિંતા વ્યક્ત કરતાં પ્રશ્નો પૂછતાં સરકારના પશુપાલન મંત્રીએ આપેલ જવાબમાં રાજ્યની પશુપાલન ક્ષેત્રની સ્થિતિ જાણવા મળતા રાજયમાં પશુચિકિત્સા અધિકારી વર્ગ – 2 ની 260 જગ્યા અને પશુધન નિરીક્ષકોની 861 મળી કુલ 1121 જગ્યાઓ હજુ ખાલી રહેલ છે.
અબોલ પશુઓની સારવાર કરનારા તબીબ સરકારને નથી મળતા ?
Advertisement