જંબુસર તાલુકાનાં પ્રાથમિક શિક્ષકસંધ દ્વારા અપાયેલ ધરણાંના કાર્યક્રમમાં શહેર સહિત તાલુકાનાં શિક્ષકો હાજીકન્યા શાળાના કમ્પાઉન્ડમાં વિવિધ પડતર માંગણીઓને લઈ મોટી સંખ્યામાં ધરણાં પર ઉતર્યા હતા.
શિક્ષકોની વિવિધ માંગણીઓ અને જુના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવતું ન હોય શિક્ષકોએ કંટાળી ધરણાંનું શસ્ત્ર ઉગામ્યું છે. શિક્ષકોની વિવિધ પડતર માંગણીઓને લઈ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષકસંધ તથા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષકસંધના આદેશ અનુસાર ઠેર ઠેર શિક્ષકો દ્વારા ધરણાં અને આવેદનપત્રો આપવામાં આવે છે. જે અનુસંધાને જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષકસંધ દ્વારા હાજીકન્યા શાળાના કમ્પાઉન્ડમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા ધરણાં તથા મામલતદાર જંબુસરને આવેદનપત્રો આપવાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષકસંધના મુખ્ય પાંચ મુદ્દાઓ જેમાં (1)જૂની પેન્શન યોજના તાત્કાલિક શરૂ કરવી (2) છઠ્ઠા પગારપંચની વિસંગતતા દૂર કરી સાતમા પગારપંચની અમલવારી 1-1-2016 ની અસરથી સમગ્ર દેશમાં બધા શિક્ષકો માટે સમાનરૂપે લાગુ કરવી (3) દરેક રાજયના ફિક્સ પગારી શિક્ષકો, વિદ્યા સહાયકો, સહિતને એક સરખું વેતન આપવામાં આવે (4) નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકને હાનિકર્તા બાબતો દૂર કરવી સહિતની વિવિધ માંગણીઓને લઈ જંબુસર તાલુકાનાં શિક્ષકો મોટી સંખ્યામાં ધરણાં પર ઉતર્યા હતા.
ધરણાં તથા મામલતદારને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જીલ્લા શિક્ષકસંધ મહામંત્રી પ્રદીપસિંહ રના, જીલ્લા શિક્ષકસંધ ઉપપ્રમુખ કાનજીભાઇ પઢિયાર, તાલુકા પ્રાથમિક શિક્ષકસંધ પ્રમુખ દિનેશભાઇ મકવાણા, મહામંત્રી મહેન્દ્રસિંહ પઢિયાર સહિત શિક્ષકો હાજર રહ્યા હતા.
જંબુસર તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોનાં ધરણાં.
Advertisement