યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ-૨૦૨૩ ને આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે લોકોમાં મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ અંગેના જાગૃતિ અભિયાન હેઠળ ખેતીવાડી શાખા, તાલુકા પંચાયત, જંબુસર આયોજીત મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને સ્વામિનારાયણ મંદિર, કાવા ભાગોળ, જંબુસર ખાતે જંબુસર તાલુકા કક્ષાનો કૃષિ મેળો મિલેટ્સ પ્રદર્શન યોજાયું હતું.
મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ ખેડૂતો વધુમાં વધુ બરછટ ધાન્ય પાકોનું વાવેતર કરતા થાય અને લોકો વધુમા વધુ તેમાંથી બનતી આરોગ્યપ્રદ વાનગીઓ બનાવતા થાય એવા આશયથી આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત મિલેટ્સના મૂલ્યવર્ધન, પોષણ અને આરોગ્યમાં ધાન્ય પાકોના મહત્વ અંગે નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ડી. કે. સ્વામીએ જણાવ્યું હતું કે, આપણી પ્રાચીન પરંપરા પ્રમાણે મિલેટ્સનો ઉપયોગ દૈનિક આહારમાં કરવામાં આવે તે માટે સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. આજના સમયમાં બદલાતી જીવનશૈલીમાં થતા રોગો સામે રક્ષણ પૂરું પાડી શરીરના સંતુલિત વિકાસમાં મિલેટ્સ ખૂબ મદદરૂપ થાય છે. અને આ ધાન્ય પાકનો વિનિયોગ ભોજનમા કરી ઘણી બીમારીમાંથી બચી શકાશે. વધુમાં આ મેળામાં લાગેલા તમામ સ્ટોલની મુલાકાત લેવા અનુરોધ કર્યો.
જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવિણભાઈ માંડાણીએ સ્વાગત પ્રવચન કરી આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નિતીન પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ભરૂચ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અલ્પાબેન પટેલ, જંબુસર પ્રાંત અધિકારી જીલ્લા ખેતીવાડી અધિકારી પ્રવિણભાઈ આર. માંડાણી, તાલુકાના આગેવાન પદાધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.