ભરૂચ જિલ્લામાં વીતેલા 24 કલાકમાં આગ લાગવાની ઉપરા છાપરી બે જેટલી ઘટનાઓ સામે આવતા ફાયર ફાઇટરો દોડતા થયા હતા, આગ લાગવાની પ્રથમ ઘટના અંકલેશ્વર પાનોલી વચ્ચે એક ભંગારના ગોડાઉનમાં લાગી હતી, જ્યાં અચાનક લાગેલ આગના પગલે ગોડાઉનમાં મુકેલ માલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યું હતું, તો બીજી આગની ઘટના જંબુસર પંથકમાંથી આજે સવારે સામે આવી હતી.
જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં આજે સવારના સમયે I20 કાર નંબર GJ 06 7568 માં અચાનક ધુમાડા નીકળ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી, જોત જોતામાં આગની જવાળાઓ વચ્ચે કાર સળગી ઉઠતા આસપાસ ઉપસ્થિત લોકોમાં નાશભાગ મચી હતી, જે બાદ ઘટના અંગેની જાણ જંબુસર ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરના લાશકરો તાત્કાલિક લાય બંબા સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને પર કાબુ મેળવ્યો હતો.
પ્રાથમિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જંબુસર પંથકમાં આવેલ કાવી જિલ્લા પંચાયતના સભ્યની આ કાર હોવાનું માલુમ પડ્યું હતું જેઓ પરિવારના સભ્યો સાથે કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા દરમ્યાન ટંકારી ભાગોળ વિસ્તાર નજીક આવતા તેઓની કારમાં અચાનક ધુમાડા નીકળ્યા હતા જે બાદ તેઓ સલામત રીતે બહાર નીકળી આવ્યા હતા અને જોત જોતામાં કાર સળગી ઉઠી હતી, શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.