ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પિલુદરા ગામ પાસેની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અચાનક લાલ કલરનું પ્રદુષિત પાણી વહેતું નજરે પડતા સ્થાનિકો તેમજ ખેડૂતોમાં ભારે રોષની લાગણી છવાઈ હતી. પર્યાવરણના દુશમન કોઈ તત્વો દ્વારા આ પ્રકારનું પ્રદુષણ ફેલાવતું પાણી કેનાલમાં છોડાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અચાનક નર્મદા કેનાલમાં પ્રદુષણ ફેલાવતું પાણી નજરે પડતા કેનાલમાંથી પાણી મેળવતા ખેડૂતો મુંજવણમાં મુકાયા હતા તેમજ પશુઓને પણ આ કેનાલ તરફ જતા અટકાવવાની તજવીજ શરૂ કરી હતી, સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે આ પ્રકારનું પ્રદુષિત પાણી જો ઉપયોગમાં લઈએ તો તેઓના ઉભા પાકને નુકશાની વેઠવી પડે છે, તેમજ પશુ પક્ષી પણ જો આ પાણી પીવે તો તેઓના જીવનું જોખમ પણ ઉભું થઈ શકે તેમ છે.
હાલ તો નર્મદા કેનાલમાં પ્રદુષિત પાણી કયા બે જવાબદાર તત્વો દ્વારા છોડવામાં આવ્યું છે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી જોકે સમગ્ર મામલે સ્થાનિક ખેડૂતો દ્વારા મામલે તંત્રમાં રજુઆત કરવાની તજવીજ શરૂ કરાઈ હોવાનું માલુમ પડી રહ્યું છે, તેવામાં તંત્ર એ પણ આ પ્રકારે પર્યાવરણના દુશ્મન સમાન તત્વો સામે લાલ આંખ કરવી જોઈએ તેવી લોક માંગ પણ સમગ્ર ઘટના ક્રમ બાદથી ઉઠવા પામી છે.