હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે, છેલ્લા એક માસમાં અનેક સ્થાને આગ લાગવાની ઘટનાઓને પગલે ફાયર વિભાગના લાય બંબા સતત દોડતા નજરે પડયા હતા, ત્યારે વધુ એક આગ લાગવાની ઘટના ગત રાત્રીના સમયે સામી આવી હતી.
જંબુસર તાલુકના માલપુર ગામના જૂના સરપંચ ફળીયામાં આવેલ કનુભાઈ મગનભાઈ પરમાર તથા દેવજીભાઇ સોમાભાઈ પરમારના મકાનમાં આકસ્મિક આગ લાગી હતી, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બે મકાનો સહિત ઘરવખરીનો સામાન, અનાજ,રોકડ રકમ, કપડા સહીતનો સામાન આગની જ્વાળાઓના સળગી જઈ ભસ્મીભૂત થઈ ગયો હતો.
માલપુર ગામે અચાનક રહેણાંક મકાનમાં આગ લાગ્યાની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક ગ્રામજનોના ટોળા સ્થળ પર આવી પહોંચી આગ ઓલવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા સાથે જ મામલા અંગેની જાણ ઓએનજીસી તથા પીઆઇ કંપનીના ફાયર વિભાગને સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી, જોકે બે કલાક ઉપરાંતનો સમય થવા છતાંય તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા ન હોતા.
જ્યારે ઘટનાની જાણ મામલતદાર જંબુસર તથા કાવી પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી ખડેપગે હાજર રહ્યાં હતાં અને આખરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેરવાતા સ્થાનિકોએ રાહત નો શ્વાસ લીધો હતો.
હારુન પટેલ