જંબુસર નગરમાં વર્ષોથી ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો હતો જેના કારણે જાહેર રસ્તાઓ પર અવરજવર કરતા રાહદારીઓ વાહનચાલકોને ખૂબ જ પરેશાની ભોગવવી પડતી હતી. આ બાબતે ભૂતકાળમાં જંબુસર કોર્ટના મેજિસ્ટ્રેટે પણ જંબુસર નગરપાલિકાના પ્રમુખ તથા સભ્યોને બોલાવી દબાણ દૂર કરવા તાકીદ કરી હતી. જંબુસર નગર પાલિકાના પ્રમુખ ભાવનાબેન રામી તથા મુખ્ય અધિકારી યોગેશભાઈ ગણાત્રાએ આ દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરતા તા ૨૪.૦૧.૨૦૨૨ ના રોજ નગીના મસ્જિદથી એસટી ડેપો સુધીનો માર્ગ ઉપરના દબાણો દુર કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ દબાણો દુર કરવાની કામગીરી શરૂ થાય તે પહેલાં જ આ વિસ્તારના કોર્પોરેટર સઇદભાઈ મલેક અને વિપક્ષના નેતા શાકિર મલેકે આવીને મુખ્ય અધિકારીને વિનંતી કરી હતી કે હાલ કામગરી મોકુફ રાખો તો દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરશે અને આ બંને વ્યક્તિએ બે દિવસની અંદર સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવાની લેખિત બાંયધરી આપી હતી તેમ છતાં પણ આ દબાણો સ્વૈચ્છિક દૂર ન થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન કલમ ૧૮૫ હેઠળ જાહેર રસ્તાઓ પર દબાણો દુર કરવા માટે જંબુસર નગરપાલિકા દ્વારા તારીખ ૦૭.૦૨.૨૦૨૨ને સોમવારથી જંબુસર ડાભા ચોકડી વિસ્તારથી દબાણ દુર કરવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી છે.
આ દબાણ દુર કરવામાં જંબુસર નગરપાલિકાના મુખ્ય અધિકારી યોગેશ ગણાત્રા, જંબુસર નગર પાલિકાના એન્જિનિયર, નગરપાલિકા બાંધકામ શાખાના કર્મચારીઓ, સફાઇ કામદારો, ગટર વિભાગના કર્મીઓ આમ કુલ મળી ૩૫ જેટલા કર્મચારીઓ આ દબાણ દુર કરવાના કામમાં જોતરાયા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ૧ ડીવાયએસપી, ૦૧સર્કલ પોલીસ ઇન્સ્પેકટર, ૦૩ત્રણ પીઆઈ પીએસઆઈ, ૬૭ જેટલા પોલીસકર્મીઓ જેમાં મહિલા પોલીસ પણ સામિલ રાખવામાં આવેલ છે. દબાણકર્તાઓ દ્વારા ઘણી જગ્યાએ સંઘર્ષ કરવાનો પ્રયત્ન પણ થયો હતો પરંતુ મુખ્ય અધિકારીએ સખત હાથે ટીમનું નેતૃત્વ કરીને દબાણો દૂર કર્યાં હતાં. જંબુસરની પ્રજામાં દબાણો દૂર થતાં આનંદની લાગણી જોવા મળી હતી તથા દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી પ્રસરાઇ હતી તથા કેટલાય વિસ્તારોમાં સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરતા નજરે પડ્યા હતાં.
જંબુસર નગરપાલિકા દ્વારા રસ્તા પરના ગેરકાયદેસર દબાણો દુર કરાયા.
Advertisement